કલેકટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ બોલાવી વિવિધ વિભાગીય વડાઓની બેઠક
શહેરના 13 વોર્ડ, તા.પં.ની 98, જિ.પં.ની 24 બેઠક માટે કુલ 857 મતદાન મથક પર થશે મતદાન
પ્રિસાઇડીંગ ઓફિસર સહિત 4285 પોલિંગ સ્ટાફ, 1915 ઇવીએમ મશીનમાં થશે ઉમેદવારોના ભાવી સીલ
મોરબી મહાનગરપાલિકા, ટંકારા, માળીયા અને વાંકાનેર નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કરાયેલી તૈયારીઓ બાબતે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી અને પોલીસ અધિક્ષક મુકેશ પટેલે કે પત્રકારોને સંબોધન કર્યું હતું. આ તકે અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચર તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રશ્મિ રાજાવાઢા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગર પાલિકાના 13 વોર્ડમાં 52 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. જિલ્લામાં કુલ 857 મતદાન મથકો પર પ્રિસાઇડીંગ ઓફિસર સહિત કુલ 4285 પોલિંગ સ્ટાફ મુકવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં રિઝર્વ સહિત કુલ 1915 ઈવીએમ મશીનનો ઉપયોગ કરાશે.
મોરબી મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ 857 મતદાન મથકો અને 544 લોકેશનમાંથી 225 મતદાન મથકો અને 163 લોકેશન સંવેદનશીલ છે.
જિલ્લા પંચાયતની 24 બેઠકો અને તાલુકા પંચાયતની 98 બેઠકો માટે કુલ 605 મતદાન મથકો પર ચૂંટણી થશે.
પોલીસ અધિક્ષક મુકેશ પટેલે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં મતદાન તથા મતગણતરી સહિત સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને જિલ્લામાં કાયદો અને સુરક્ષા જળવાય તે માટે પોલીસ વિભાગ સતત કાર્યરત છે.
જિલ્લામાં 2000 જેટલા પોલીસ કર્મીઓને ચૂંટણી અનુસંધાને વિવિધ ફરજો સોંપવામાં આવી છે. ચૂંટણીની પ્રક્રિયા પર સતત દેખરેખ રાખવા 52 જેટલી સેક્ટર મોબાઈલ પર કાર્યરત છે.
કોઈ પણ મતદાન મથક જ્યારે મતદાર મત આપવા જાય ત્યારે તેને કોઈ અગવડ ન થાય તે માટે તમામ પોલિંગ સ્ટાફની બે તાલીમ થઈ ગઈ છે અને ડિસ્પેચિંગ વખતે ત્રીજી તાલીમ કરવામાં આવશે.
ગરમીને ધ્યાનમાં રાખતા મહાનગરપાલિકા, નગર પાલિકા તેમજ તાલુકા, જિલ્લા પંચાયતમાં તમામ મતદાન મતકો ઉપર પાણી, છાંયડો, વીજળી, પ્રાથમિક સારવાર કીટ, ફર્નિચર રેમ્પ સહિતની સુવિધાઓ રાખવા માટે તમામ ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
ખાસ કરીને ગરમીમાં છાંયડાની વ્યવસ્થા માટે તમામ સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત પીવાના પાણીની અને ઓ.આર.એસ. કીટ તેમજ પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં તમામ ઈ.વી.એમ. મતદાન માટે તૈયાર થઈ ગયા છે અને સ્ટ્રોંગરૂૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે.
