ગુજરાત

પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબીને વતન બનાવનાર 14 વ્યક્તિઓ બન્યા કાયમી નાગરિક

Published

on


મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબી સ્થાયી થયેલા 13 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા અધિનિયમ-1955 અને નિયમો-2009 અંતર્ગત ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.


પાકિસ્તાનના અનેક પરિવારો વખતો વખત વિવિધ કારણોસર પાકિસ્તાનથી હિજરત કરી ભારતના વિવિધ પ્રાંતમાં સ્થાયી થયેલા છે, એમાંનું એક મોરબી પણ છે, જ્યાં અનેક સ્થળાંતરીતો આશ્રય લઈ રહ્યા છે. મોરબીમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને આવેલા અનેક પરિવારો દૂધમાં સાકારની જેમ ભળી ગયા છે. જિલ્લા કલેક્ટર તેમજ વહીવટી તંત્ર દ્વારા આ પરિવારોને નાગરિકતા મળી જાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે આજરોજ કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જીતુભાઈ સોમાણી, કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક ક્લેક્ટર એસ.જે. ખાચર સહિત મહાનુભાવોના હસ્તે 14 વ્યક્તિઓને ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.


સ્થળાંતરિત વ્યક્તિઓની નાગરિકતાની અરજીઓ ઝડપથી મંજૂર થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. આવી નાગરિકતાની અરજીઓની પૂરતી ચકાસણી કરી યોગ્ય પ્રક્રિયા હાથ ધરી નાગરિકતા આપવામાં આવી રહી છે. ખૂબ ઝડપી કામગીરી કરીને સ્થળાંતરિત થયેલી વ્યક્તિઓને નાગરિકતા આપવામાં આવી રહી છે. ત્યારે જે 14 લોકો ભારતના કાયમી નાગરિકો બની ગયા છે તેમના ચહેરા પર ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version