ક્રાઇમ

12 લાખની ઠગાઇમાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

Published

on

શહેરના યુવાનને પાર્ટ ટાઈમ જોબ કરવા ટાસ્ક પૂરા કરી સારું વળતર આપવાના બહાને રૂૂા. 12.05 લાખની ઓનલાઈન છેતરપિંડીમાં ત્રણ આરોપીને સરહદી રેન્જ-ભુજની સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ત્રણે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ભુજના મેડિકલ ધંધાર્થી યુવાન હિરેન વિનોદભાઈ ઠક્કર (કોટક)ને ટેલિગ્રામ ઉપર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ માટે મેસેજ મોકલાવાતાં તેમણે રુચિ દેખાડતાં લિંક મોકલવામાં આવી હતી અને ઓર્ડર કનફર્મ કરી સારું વળતર / નફો હિરેનભાઈને મળતાં તેમણે મોટો ઓર્ડર નાખ્યો હતો, ત્યાર બાદ વિવિધ બહાને વધુ નાણાં જમા કરાવી કુલે રૂૂા. 12,05,064ની છેતરપિંડી કર્યાની ફરિયાદ અરજી બે દિવસ પૂર્વે સરહદી રેન્જ – ભુજની સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાવાતાં પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. બેંક સ્ટેટમેન્ટના અભ્યાસ બાદ પ્રથમ અમદાવાદના કેવલને ઝડપતાં તેને તેના મિત્ર શ્યામે ખાતાના ઉપયોગ બદલ અડધો ટકો કમિશન આપવાનું કહ્યું હતું.

આ બાદ રાજકોટથી શ્યામને ઝડપતાં તેને દિવ્યેશે ગેમિંગના નાણાં ટ્રાન્સફર કરવા ખાતાઓની વ્યવસ્થા કરી આપવા અને તેના બદલામાં અડધા ટકા કમિશનનું જણાવ્યું હતું. આમ, આ ગુનાના આરોપી કેવલ કાંતિલાલ દેલવાડિયા (રહે. નરોડા-અમદાવાદ), શ્યામકુમાર મનસુખભાઈ ખાંટ (રહે. રાજકોટ) અને દિવ્યેશ પ્રફુલ્લભાઈ ખૂંટ (રહે. કેશોદ)ને સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ એલ.પી. બોડાણાનાં માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ દ્વારા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને અમદાવાદ અને રાજકોટ ખાતેથી પકડી આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બીજીતરફ આ ગુનાના ઝડપાયેલા આરોપીઓને ભુજની કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગ કરાઇ હતી જેમાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકાર તરફે સરકારી વકીલ આર. આર. પ્રજાપતિએ હાજર રહી દલીલો કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version