ગુજરાત
કટારિયા સર્કલ બ્રિજ માટે 11 ટેન્ડર ભરાયા
અત્યાર સુધીના કોઈ પણ બ્રિજ માટે આવેલા સૌથી વધુ ટેન્ડર, એજન્સીઓએ ક્વેરી કાઢતા ટેન્ડર મુદત લંબાવવી પડે તેવી સ્થિતિ
રાજકોટ શહેરનો વ્યાપ અને વસ્તી વધતા રોડ રસ્તાઓ સાંકળા થવા લાગ્યા છે. તેવી જ રીતે છેવાડાના વિસ્તારોનો પણ વિકાસ થતાં મુખ્યમાર્ગો ઉપર ટ્રાફિક સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુછે. જેમાં ખાસ કરીને રાજકોટ શહેરમાં પ્રવેશવાના મુખ્યમાર્ગોના સર્કલો ઉપર બ્રીજ બનાવવાની જરૂરિયાતો વધવા લાગતા કાલાવડ રોડ ઉપર આવેલ કટારિયા સર્કલ ઉપર બ્રીજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે જેમાં આજ સુધીમાં 11 એજન્સીએ ટેન્ડર ભર્યા છે. આથી અત્યાર સુધીના કોઈ પણ બ્રીજ માટે આવેલા સૌથી વધુ ટેન્ડર આ બ્રીજ માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ એજન્સીઓએ પણ અનેક પ્રકારની ક્વેરીઓ કાઢતા ટેન્ડરની મુદત લંબાવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
શહેરના મુખ્ય પ્રવેશ માર્ગ કાલાવડ રોડ ઉપર બહારગામથી આવતા ટ્રાફિકના નિયમન માટે કટારિયા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવાનો નિર્ણય લઈ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. નવા રીંગ રોડ અને કાલાવડ રોડના વચ્ચે આવતા કટારિયા સર્કલ ઉપર અવાર નવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય બ્રીજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કરોડો રૂપિયાના મોટા પ્રોજેક્ટોમાં અમુક એજન્સીઓ જ હાથ નાખતી હોય છે. પરંતુ આ વખતે કટારિયા ચોકડી ઓવરબ્રીજ માટે મનપાએ ટેન્ડર પ્રસિધ્ધ કરેલ જેની મુદત પૂર્ણ થતાં 11 એજન્સીએ ટેન્ડર ભર્યા હોવાનું જાણવા મળેલ છે.
જે અત્યાર સુધી બનેલા કોઈપણ બ્રીજ કરતા વધુ ટેન્ડર ભરાયા હોવાનું ટ્રાન્સપોર્ટ વિભાગે જણાવ્યું છે. કટારિયા ચોકડીએ બ્રીજ બનાવવા ક્ધસલ્ટન્ટ દ્વારા ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. એસ્ટીમેન્ટના આધારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. સર્વે સહિતની કામગીરી પૂર્ણ થયેલ હોવા છતાં અમુક એજન્સીઓ દ્વારા ડિઝાઈન તેમજ અન્યકામોને લગતી ક્વેરી કાઢવામાં આવી છે. જેના લીધે કટારિયા ચોકડી ખાતે તૈયાર થનાર ઓવરબ્રીજના ટેન્ડરની મુદત વધારવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. છતાં તંત્ર દ્વારા ફાઈનલ નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.