વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂરૂ, કારણ હજુ અધૂરૂ

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત 260 લોકોનો ભોગ લેનારી દેશની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં અનેક એજન્સીઓ દ્વારા તપાસ છતાં હજુ ફાઇનલ રિપોર્ટ બાકી સ્વજનો ગુમાવનાર…

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત 260 લોકોનો ભોગ લેનારી દેશની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં અનેક એજન્સીઓ દ્વારા તપાસ છતાં હજુ ફાઇનલ રિપોર્ટ બાકી

સ્વજનો ગુમાવનાર પરિવારોના ‘ઝખમ’ તાજા થયા, અનેક પરિવારોના જીવન જ બદલાઇ ગયા

અમદાવાદમાં ગત તા.12 જુન 2025ના રોજ સર્જાયેલ એર ઇન્ડીયાની એ.આઇ-171 વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીત 260 લોકોનાં મોત નિપજયા હતા. દેશની આ સૌથી ભયાનક વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પુરૂ થતાં જ ભોગ બનેલા પરિવારોનાં ઝખમ તાજા થયા છે અને આજ સુધી આ પરિવારો ફાઇનલ ઇન્વેસ્ટીગેશન રિપોર્ટ તેમજ દુર્ઘટનાના કારણની રાહ જોઇ રહ્યા છે.

આ ગોઝારી ઘટનાએ અનેક પરિવારોની જિંદગી જ બદલી નાખી છે. સ્વજનો ગુમાવનાર પરિવારો આજે પણ આઘાતમાંથી બહાર નીકળી શકયા નથી અને સરકાર તરફ આશા માંડીને બેઠા છે ત્યારે આ વિમાન ક્રેશની ઘટનાનું સાચુ કારણ કયારે બહાર આવશે તે તરફ સૌની મીટ મંડાયેલી છે. આ ઘટનામાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તપાસ કરી રહી છે પરંતુ આજ સુધી સંતોષકારક રિપોર્ટ જાહેર કરાયો નથી.
આ દુર્ઘટનામાં એક વર્ષમાં અનેક એંગલ રજુ થયા છે અને તપાસ સામે અનેક સવાલો ઉઠયા છે પરંતુ આજ સુધી સાચુ કારણ બહાર આવ્યું નથી.

ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) ના વૈશ્વિક નિયમો અનુસાર, કોઈ પણ મોટા પ્લેન ક્રેશની અંતિમ તપાસ રિપોર્ટ 12 મહિનાની અંદર સત્તાવાર રીતે જાહેર કરવી અનિવાર્ય છે. પરંતુ આ કેસમાં તપાસ અધૂરી હોવાના કારણે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (અઅઈંઇ) માત્ર એક વચગાળાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરે તેવી શક્યતા છે.

12 જુન 2025 ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું આ બોઇંગ 787 ડ્રીમલાઇનર એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની માત્ર 32 સેક્ધડની અંદર જ ધડાકાભેર તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ સિવાય જમીન પર રહેલા અન્ય લોકો સહિત કુલ મૃત્યુઆંક 260 સુધી પહોંચી ગયો હતો, જે ભારતના ઉડ્ડયન ઇતિહાસની સૌથી મોટી વિમાન હોનારત છે.તપાસ એજન્સીના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અંતિમ અહેવાલ મોડો આવવા પાછળનું મુખ્ય કારણ વિમાનના હાઇટેક એન્જિનોની જટિલ તપાસ છે. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનના બંને એન્જિનોને સચોટ ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ માટે અમેરિકાના ઓહાયો સ્થિત ‘જીઈ એરોસ્પેસ’ની અત્યાધુનિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

એન્જિનો આગના કારણે ભારે ક્ષતિગ્રસ્ત થયા હોવાથી તેની માઇક્રોસ્કોપિક તપાસ હજુ ચાલુ છે. અધિકારીઓનું કહેવું છે કે અંતિમ રિપોર્ટ લગભગ તૈયાર છે, પરંતુ અમેરિકાથી એન્જિન તપાસના ફાઇનલ પરિણામો આવ્યા વિના તેને સત્તાવાર રીતે રિલીઝ કરી શકાય તેમ નથી. જીઈ એરોસ્પેસ દ્વારા હજુ સુધી રિપોર્ટ પૂરો થવાની કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી.

દુર્ઘટનાના બરાબર એક મહિના બાદ એટલે કે 12 જુલાઇ 2025 ના રોજ AAIB દ્વારા 15 પાનાનો પ્રારંભિક રિપોર્ટ જાહેર કરાયો હતો. આ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, પ્લેને જેવી ઉડાન ભરી કે તરત જ તેના બંને એન્જિનોના ‘ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ’ અચાનક ‘રન’ સ્થિતિમાંથી બદલાઈને ‘કટઓફ’ પોઝિશન પર જતા રહ્યા હતા. આના કારણે એન્જિનોને મળતું ઈંધણ સપ્લાય એકાએક બંધ થઈ ગયું હતું. જોકે, આ સ્વીચ આપમેળે બંધ થઈ કે પાયલટની કોઈ ભૂલ હતી, તે રહસ્ય હજુ સુધી અકબંધ છે.

બ્રિટનની એર એક્સિડેન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે પીડિત પરિવારોને પત્ર લખીને અસંતોષ વ્યક્ત કર્યો છે કે તેમને હજુ સુધી ભારત તરફથી કોઈ ફાઇનલ ડ્રાફ્ટ મળ્યો નથી. આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ ફાઇનલ રિપોર્ટના 30 દિવસ પહેલા તેનો ડ્રાફ્ટ સંબંધિત દેશો (યુકે અને અમેરિકા) સાથે શેર કરવો ફરજિયાત હોય છે.