શિવરાત્રીના તહેવારના દિવસે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના તમામ પ્રકારના કત્તલખાના બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચીકનનું સ્ટોર કે વેચાણ કરવા પ્રતિબંધ હોય છતાં ઓનલાઈન ડિલેવરી એપ ઝેપ્ટો અને સ્વીગી દ્વારા વેચાણ ચાલુ હોવાથી મનપાએ જાહેરનામાભંગ અંગે કાર્યવાહી કરીને 100 કિલોથી વધુ નોનવેજ ફુડનો નાશ કરીને હજારો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ગુજરાત કોંગ્રેસના સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રવકતા તુષિત પાણેરી દ્વારા આજે સવારે સાડા છ વાગ્યે ઝેપટો ફુડ ડિલિવરી એપ્લીકેશનમાંથી ઓનલાઈન ચિકનનો ઓર્ડર આપ્યો હતો. અને થોડી મીનીટમાં જ ડિલીવરી પણ થઈ ગયો હતો. જેથી તેમણે મનપા આરોગ્ય અધિકારી અને કમિશનરને પુરાવા વિગતો મોકલી આપ્યા હતાં.
તેમજ ઓનલાઈન કમ્પ્લેઈન પણ નોંધાઈ હતી. ઓનલાઈન કમ્પ્લેઈન નોંધતા જ આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવતા આર.કે. આઈકોનીક બીલ્ડીંગમાં આવેલ ઝેપ્ટો કંપની (ડ્રોગેરિયા સેલર પ્રા.લી.) ખાતે ટીમો પહોંચી હતી. અને સ્થળ પરથી 35 કિલો જેટલા નોનવેજ ખાદ્યચીજોને ખોલીને ટીપરવાન મારફતે સોખડા ડમ્પીંગ સાઈટમાં નાશ કરવા માટે મોકલી આપી હતી અને બીજી કાર્યવાહીમાં ઈન્ફીનીટી કોમ્પલેક્ષમાં સ્વીગીના વેરહાઉસમાં દરોડો પાડીને 60 કિલો જેટલા માસ અને ચિકનના જથ્થાનો નાશ કરવામા આવ્યો હતો. રાજકોટ મનપાના જાહેરનામાનો ભંગ કરનાર કંપનીઓને રોજકામ કરીને હજારો રૂપિયાનો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો છે.

