Site icon Gujarat Mirror

ભાણવડના શીવા ગામે દવાના રિએક્શનથી તરૂણનું મૃત્યુ

ભાણવડ તાલુકાના શીવા ગામે રહેતા આલા એભાભાઈ કનારા નામના 16 વર્ષના યુવાનને ત્રણેક દિવસથી ઝાડા-ઉલટીની બીમારી હોય, જેથી સારવાર અર્થે તેમને ભાણવડ ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને જરૂૂરી બાટલાઓ ચડાવી અને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. આ અંગે આલાભાઈને રિએક્શન આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ હમીરભાઈ પરબતભાઈ કનારા (રહે. શિવા ગામ) એ ભાણવડ પોલીસને કરી છે.

સર્પદંશથી પરપ્રાંતીય બાળકનું અપમૃત્યુ
કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર નગડીયા ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર વિસ્તારના રહીશ હરિઓમ માધુ વાસ્કલે નામના સાત વર્ષના બાળકને હાથના કાંડામાં ઝેરી સર્પે દંશ દેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા માધુ ભૂરા વાસ્કલે (ઉ.વ. 35, રહે. મૂળ મધ્યપ્રદેશ) એ કલ્યાણપુર પોલીસને કરી છે.

નીચે પટકાતાં મોત
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર ખાતે રહેતા રણમલભાઈ ઘેલાભાઈ જમોડ નામના 45 વર્ષના યુવાન રાવલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એક મંદિર પાસે પહોંચતા તેમણે પોતાનું મોટરસાયકલ એક બાજુ ઊભું રાખી અને નીચે ઉતરીને દુકાને પાણી પીવા ગયા હતા. ત્યારે અચાનક તેઓ અકળ કારણોસર નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે તેમજ આંખના ભાગે ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ બાબુભાઈ ઘેલાભાઈ જમોડ (ઉ.વ. 40, રહે. રાવલ) એ કલ્યાણપુર પોલીસને કરી છે.

હાર્ટએટેકથી મોત
તાપી જિલ્લાના નિર્મર ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના દેવરીયા (સતાપર) ગામે રહેતા વિનોદભાઈ સુભાષભાઈ ઠાકરે નામના 45 વર્ષના યુવાનને દારૂૂ પીવાની ટેવ હોય, આ વચ્ચે તેમને ગઈકાલે શુક્રવારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંજયભાઈ મોહનભાઈ પાડવીએ કલ્યાણપુર પોલીસને કરી છે.

Exit mobile version