પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રિના ચોથા નોરતે એક દુ:ખદ ઘટના બની હતી. માતાજીનાં દર્શન કરવા આવેલા અનિલ શંકર ભીલ નામના યુવકનું શોર્ટકટ માર્ગ પરથી પસાર થતી વખતે અંદાજે 1000 ફૂટ ઊંડી ખીણમાં પટકાતાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગોધરા SDRF અને હાલોલ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને ખીણમાંથી બહાર કાઢ્યો હતો.
મૃતક અનિલ શંકર ભીલ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના નિસરપૂર ગામનો વતની હતો અને હાલ વડોદરાના વાઘોડિયામાં રહેતો હતો. તે અન્ય ત્રણ લોકો અને બે નાનાં બાળકો સાથે ભદ્રકાળી મંદિર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન શોર્ટકટ માર્ગ પરથી પસાર થતી વખતે અચાનક સંતુલન ગુમાવતાં તે ઊંડી ખીણમાં પટકાયો હતો, જેના કારણે સાથે આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
અંદાજે 1000 ફૂટ ઊંડી ખીણમાં પટકાવાને કારણે અનિલ ભીલને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. ધાર્મિક યાત્રા દરમિયાન બનેલી આ કરુણ ઘટનાથી મૃતકના પરિવારજનો અને સ્વજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જાણ થતાં જ ગોધરા SDRF અને હાલોલ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખીણની ઊંડાઈ અને દુર્ગમ સ્થળ હોવાના કારણે રેસ્ક્યૂ કામગીરી પડકારજનક બની હતી, પરંતુ ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢીને હાલોલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે પણ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
