જામનગર રોડ પર આવેલ પરાપીપળીયા રેલવે ફાટક પાસે સૂર્યકાંત હોટલ પાછળ આવેલ ગુલમહોર વુડ બંગલોમાં રહેતા 31 વર્ષીય દિવ્યાંગ પોબાનું નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલ સૂર્યકાંત હોટલની પાછળ રત્નમ સ્કાય સિટીની બાજુમાં આવેલ ગુલમહોર વુડ બંગલો નંબર 19 માં રહેતા દિવ્યાંગ રાજેશભાઈ પોબારુ (ઉ.વ.31) ગઈકાલે પોતાના ઘરેથી નીકળી સાંજના 6 વાગ્યાની આસપાસ તે જલારામ ફૂડ કોર્ટની પાછળ આવેલ પરાપીપળીયા રેલવે ફાટક પાસે પહોંચ્યો હતો અને ત્યાં તેને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે બનાવ અંગે સ્થાનિકોને જાણ થતા તુરંત જ 108 ને જાણ કરી હતી અને દોડી આવેલ 108 ની ટીમે દિવ્યાંગ પોબરુને તુરંત જ નજીકમાં આવેલ એઇમ્સ હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ ત્યાં હાજર તબીબે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતા તુરંત જ પરિજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા અને બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા એએસઆઈ એમે.એ. વાઘેલા પણ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ મૃતક યુવાન શેરબજારનું કામ કરતો હોવાનું સામે આવી રહ્યું છે અને પોતે અપરિણીત હતો. તેને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે તપાસ યથાવત રાખી છે. બનાવથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
