મહિલા તરફી કાયદાનો ભોગ બનેલા યુવાને વીડિયો બનાવી કરેલો આપઘાત

ભાવનગરના ચિત્રામાં રહેતા વિશ્વરાજસિંહ મયુરસિંહ ગોહિલે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પરથી કુદી આત્મહત્યા કરી છે. મૂળ રાજપરા (ઠાડચ)ના વતની વિશ્વરાજે 13 મિનિટનો વીડિયો…

ભાવનગરના ચિત્રામાં રહેતા વિશ્વરાજસિંહ મયુરસિંહ ગોહિલે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પરથી કુદી આત્મહત્યા કરી છે. મૂળ રાજપરા (ઠાડચ)ના વતની વિશ્વરાજે 13 મિનિટનો વીડિયો બનાવ્યા બાદ 1700 ફૂટ ઉંડી ખીણમાં ઝંપલાવી દીધું હતું. વીડિયોમાં કહ્યું કે, જો તમારે દીકરો હોય અને ભવિષ્ય ન બગાડવું હોય તો આ શેર કરો અને કાયદો બદલો. 498ના કેસ જિંદગી લે છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાકેનવાડા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ યુવકની ડેડબોડી ભાવનગર મોકલવામાં આવી હતી. જ્યાંથી પાલીતાણા લઈ જઈને અંતિમવિધિ કરવામાં આવી હતી.

સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ વિશ્વરાજસિંહના લગ્ન 8 ફેબ્રુઆરી, 2026ના રોજ ધારાબા અજયસિંહ સરવૈયા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ઘરેલુ બાબતોને લઈને 12 સપ્ટેમ્બરના રોજ ધારાબા દ્વારા પોલીસ સમક્ષ ઘરેલુ હિંસા અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

કાળીયાબીડની અંજની સિટીમાં આવેલા સાસરીમાં વાતચીત દરમિયાન વિશ્વરાજસિંહે પોતાના હાથની નસ કાપી લીધી હોવાનો બનાવ બન્યો હતો. આ અંગે તેમના સસરા દ્વારા નીલમબાગ પોલીસ સમક્ષ અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ ઘરેલુ હિંસા સંબંધિત કેસમાં 9 ઑક્ટોબરના રોજ વિશ્વરાજસિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી બાદ તેઓ ઘરેથી બહાર જવાનું કહી બાઈક લઈને નીકળ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્ર પહોંચીને હરિશ્ચંદ્રગઢના ખીણમાં કુદી મોત વ્હાલું કર્યું હતું.

મૃતકના કાકા અલ્પેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે, સાસરીયાઓ દ્વારા ઘરેલું હિંસાના કેસ કર્યા હતા. આ કેસ ખોટા હોવાનુ લાગી આવતા તેને આત્મહત્યા કરવા સિવાય બીજો રસ્તો ન દેખાતા આ પગલું ભર્યું હતું. વીડિયો પરિવાર સુધી પહોંચ્યા પછી અમને આ અંગે જાણ થઈ હતી. ત્યાર બાદ અમે તેને શોધવા મહારાષ્ટ્ર ગયા હતા. જ્યાં મળી આવ્યો હતો અને તેની અંતિમવિધિ કરી હતી.

ટીંબા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા વિશ્વરાજસિંહ અંતિમ વીડિયોમાં કહે છે, આજે હું આ ખીણમાં કૂદીને જીવ આપવાનો છું. જ્યારે તમને જિંદગીમાં કોઈ આશા જ ન દેખાય. અંતરઆત્મા તૂટી જાય છે. આપણે એવું કહેતા હોય છીએ કે લગ્ન પવિત્ર સંબંધ છે અને તેને જન્મો જન્મ નિભાવતા હોય છીએ. આ બધું બોલવા અને લખવામાં સારું લાગે. મોડર્ન જમાનામાં બે માણસના વિચાર, સ્વભાવ અને આદતો મેચ ન થાય અને કલેશ ઉભા થાય ત્યારે ડિવોર્સ લે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને એવો કાયદો કાઢ્યો છે, 498 ડોમેસ્ટિક વાયોલન્સના 90 ટકા કેસ ફેક છે. કોઈ આધાર નહીં, પૂરાવા નહીં અને બિલકુલ મૌખિક. જ્યારથી દીકરી અને તેના પરિવારમાં આ હથિયાર આવ્યું છે ત્યારથી દૂરઉપયોગ થાય છે. જમાઈ પર માનસિક, શારીરિક અને આર્થિક રીતે દબાણ કરી મરવા પર મજબૂર કરવામાં આવે છે. શું બન્યું મારી સાથે? કેસમાં લખાવે છે હું , મારા માતા અને મારા ભાઈ વાતે વાતે ઢોર માર મારતા. આ સાવ ફેબ્રિકેટેડ છે અને પોલીસ પાછી પૂરાવા માગતી નથી. કાયદો દીકરી તરફ નમેલો છે. દીકરી પાત્ર આટલા યુગમાં નબળું રહ્યું નથી.

અમારી સોસાયટીમાં મારા પત્નીને ખેંચી તાણીને લઈ જાય છે અને ત્યારે કહે છે કે, મારે નથી આવવું તમારી સાથે, મારી સાથે કંઈ કરતા નથી છતાં લઈ ગયા. મારા પત્નીનું પછી મન બદલાવી નાંખવાના જ હોય, જો નાટક કર્યું હોય તો એ વિચારવું કે સ્ત્રી કેટલું નાટક કરીને ફસાવી શકે છે.

જ્યારે તેના માતા-પિતા મારા પત્નીને ખેંચીને લઈ ગયા ત્યારે તેને જમાઈ માટે માન સન્માન જેવું કંઈ નહીં. ફોનમાં કે સામે હોય તો કોઈ માન નહીં, ડાયરેક્ટ વટ અને ડારો. મને કહે બાપ સમાન છું. બરાબર છે. મારો બાપ મને લૂંટે? મારો બાપ મને તક આપે અને માફ કરે. જ્યારે હું મરીશ ત્યારે મારા મા-બાપ અને ભાઈની જે હાલત થશે. કહે છે કે, મારી દીકરીને ટોર્ચર કરે છે, શું ટોર્ચર કર્યું? આજ કહે છે કે, તમારા પપ્પા નહીં, કાલ પછી કહેશે મમ્મી નહીં. તમે તમારી દીકરીનો પરિવાર બાંધ્યો છે કે, મારી માથે ચઢવાનું છે. દરબારનું કૂળ નથી સમજતું કે દીકરીને પરણાવી છે તો તેની જિંદગી માટે પરણાવી છે. નાની નાની બાબતોને ટોર્ચરનું નામ આપી દેવું. મારો ભાઈ 16 વર્ષનો છે અને તેના પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો, કોઈ ડર નથી એટલે કર્યો છે.