ગુજરાત
રાજ્ય નાણાપંચના અધ્યક્ષપદે યમલ વ્યાસ, બાળ આયોગમાં ધર્મિષ્ઠાબેનની નિમણૂક
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે રાજય સરકાર દ્વારા બે બોર્ડ-નિગમોમાં અધ્યક્ષોની નિમણૂંક કરવામા આવતા આગામી દિવસોમાં વધુ બોર્ડ-નિગમોમાં નિમણૂંકો થવાની ભાજપના કાર્યકરોમાં આશા જાગી છે.
ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી નાણાપંચની રચના નથી થઈ. હવે આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. 2015 પછી રાજ્યમાં નવું નાણાપંચ બનાવવું જ પડશે, કેમ કે કેન્દ્રીય નાણાપંચે રાજ્ય સરકારને તાકીદ કરી છે. 15માં નાણાપંચની તાજેતરની મુલાકાત દરમિયાન આ મુદ્દે રાજ્યને ચેતવણી આપવામાં આવી હતી, જે બાદ હવે રાજ્ય સરકાર તાત્કાલિક નાણાપંચ રચવાની તૈયારી કરી દીધી છે. ગુજરાત સરકારે પ્રદેશના મુખ્ય પ્રવક્તા અને સીનિયર નેતા યમલ વ્યાસને રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી છે.
સરકારે નવા વર્ષમાં ભાજપના મુખ્ય પ્રવકતા યમલ વ્યાસને મોટી જવાબદારી સોંપી છે. યમલ વ્યાસને ગુજરાતના ચોથા નાણાંપંચના અધ્યક્ષની જવાબદારી સોંપી છે. મહત્વનું છે કે, ગુજરાતના ચીફ સેક્રેટરી રાજકુમારે નોટિફિકેશન જાહેર કર્યું હતુ, જેમાં ગુજરાત સરકારે યમલ વ્યાસને આ મોટી જવાબદારી સોંપી હોવાનું સામે આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક નગરપાલિકાઓ પાસે લાઈટ બિલ ભરવા માટે નાણાં ન હોવા જેવી સ્થિતિ ઊભી થઈ છે, અને સ્થાનિક કક્ષાએથી નાણાંની સીધી ફાળવણીની માંગણી ઊઠતી રહે છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર ક્યારે નાણાપંચની રચનાની જાહેરાત કરે છે તે જોવું રહેશે.
જયારે બાળ આયોગના અધ્યક્ષ તરીકે ભાજપના સક્રિય કાર્યકર એવા ધર્મિષ્ઠાબેન ગજ્જરની નિમણૂંક કરવામા આવી છે. આગામી દિવસોમાં વધુ બોર્ડ-નિગમોમાં ચેરમેનો અને ડિરેકટરોની નિમણૂંકો થાય તેવી શકયતા છે.