Site icon Gujarat Mirror

વિશ્ર્વના સૌથી વૃધ્ધ જંગલી પક્ષીએ 74 વર્ષે ઇંડું આપ્યું

‘વિઝડમ’ના 30થી વધુ બચ્ચાં હોવાનું અનુમાન

વિશ્વના સૌથી વૃદ્ધ જંગલી પક્ષીએ 74 વર્ષની વયે ફરી ઈંડું આપ્યું છે. લેસેન અલ્બાટ્રોસ પ્રજાતિના વિઝડમ નામના પક્ષીએ ઈંડું મૂક્યાની ઐતિહાસિક ઘટના પ્રશાંત મહાસાગરના મિડવે અટોલ નેશનલ અભયારણ્યમાં બની છે.

અમેરિકાની મત્સ્ય અને વન્યજીવ સેવાએ એની નોંધ કરી હતી. લેસેન અલ્બાટ્રોસ પ્રજાતિનાં પક્ષીઓ સામાન્ય રીતે 12થી 40 વર્ષ સુધી જીવે છે, પણ વિઝડમ એમાં અપવાદ છે. વિઝડમ સૌથી પહેલાં 1956માં ટેગ કરાયું હતું. એ સમયે એની વય પાંચ વર્ષની હતી. એણે પહેલું ઈંડું પણ એ વખતે જ આપ્યું હતું. એ પછી એણે 2021માં છેલ્લી વાર બચ્ચાં આપ્યાં હતાં અને અત્યાર સુધીમાં એનાં 30થી વધુ બચ્ચાં હોવાનું અનુમાન છે. જૂનો સાથી અકેકામાઈ કેટલાંક વર્ષોથી ગુમ છે એટલે વિઝડમે આ વર્ષે નવા સાથી સાથે ઈંડું આપ્યું છે.

આ પ્રજાતિનાં પક્ષીઓનો જીવનસાથી એક જ હોય છે, પણ વિઝડમની વધુપડતી વયને કારણે એણે પહેલો જીવનસાથી ગુમાવ્યો હોય એવું પણ બન્યું હશે. અમેરિકાની મત્સ્ય અને વન્યજીવ સેવાએ સોશ્યલ મીડિયામાં કહ્યું છે કે ઈંડામાંથી બચ્ચું નીકળે એની 70થી 80 ટકા શક્યતા છે. એની પ્રજનનક્ષમતા હજી પણ સારી છે.

Exit mobile version