ગરમી અને બફારામાં લોકો શેકાઇ રહ્યા છે તેવામાં રાપરમાં ઉત્તરપ્રદેશથી નોકરીની શોધમાં આવેલા ત્રિવેણકુમાર ડાક્ટર રામતે પ્રેમી (ઉ.વ. 40)નું હીટ સ્ટ્રોકથી મોત થતાં ભારે ચકચાર પ્રસરી હતી. ેલ્લા કેટલાક સમયથી ગરમી, બફારા અને સૂર્યપ્રકાશથી લોકો શેકાઇ રહ્યા છે.
આવી કાળઝાળ ગરમીમાં લોકો બપોરના સમયે બહાર નીકળવાનું પણ ટાળે છે, ત્યારે કચ્છમાં હીટ સ્ટ્રોકથી મોતનો પહેલો બનાવ સામે આવતાં ભારે ચકચાર પ્રસરી છે. ઉત્તરપ્રદેશના સેનપુરમાં રહેનાર શ્રમિક ત્રિવેણકુમાર એક દિવસ પહેલાં પોતાના મિત્રો સાથે નોકરીની શોધમાં રાપર આવી પહોંચ્યો હતો, જ્યાં સવારથી બપોર સુધી તેણે પાણી પીધા વગર તડકામાં નોકરીની શોધ ચાલુ રાખી હતી. દરમ્યાન નંદાસર કેનાલ પાસે બપોરના સમયે પહોંચતાં સૂર્યપ્રકાશના તેજના કારણે તે બેભાન થઇ ગયો હતો.
તેને 108 એમ્બ્યુલન્સ થકી સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તેણે ઓછું પાણી પીધું હતું તથા સૂર્યપ્રકાશના તેજથી હીટ સ્ટ્રોકથી તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે.
