Site icon Gujarat Mirror

ખંભાળિયામાં પશુઓને રસ્તે રઝળતા મૂકનારા બે પશુ માલિકો સામે કાર્યવાહી

ખંભાળિયામાં ધણીયાતા તથા નધણીયાતા પશુઓના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થવાના બનાવો બનતા થોડા સમય પૂર્વે ટ્રાફિક પોલીસ તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી અને આવા પશુઓના માલિકોને તેમજ રસ્તા પર ઘાસચારો નાખતા આસામીઓને અલ્ટીમેટમ આપી, અને પશુઓને ખુલ્લા ન મુકવા તથા ઘાસચારો નિયત જગ્યાએ જ નાખવા જણાવ્યું હતું.

ત્યારે ખંભાળિયા વિસ્તારમાં પશુઓના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને ડીવાયએસપી વી.પી. માનસેતા દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને જિલ્લા ટ્રાફિક વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. ટી.ડી. ચુડાસમાએ ગતસાંજે આ અંગેની કાર્યવાહી કરી અને જાહેરમાં માનવ જિંદગી જોખમાય તે રીતે જાહેર રોડ ઉપર માલિકીના ઢોર પશુઓને છૂટા રખડતા મુકતા બે આસામીઓ સામે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી કરી હતી. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી જારી રાખવામાં આવશે તેવી સૂચના સાથે ઢોર માલિકે પોતાના માલિકીના પશુ-ઢોરને જાહેરમાં રઝળતા મૂકવા નહીં તેવી સૂચના પણ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

Exit mobile version