ધોરાજીના ફરેણી રોડ વિસ્તારની મહિલાઓ પાણી પ્રશ્ર્ને બની રણચંડીઓ, રસ્તાઓ ચક્કાજામ

ગટરમાં ભળેલ અને રોગચાળો નોતરે તેવું દૂષિત પાણી આવતું હોવાનો આક્ષેપ : ચૂંટણી બહિષ્કાર અને આંદોલનની મહિલાઓની ચીમકી રાજકોટ ધોરાજીમાંથી એક મોટા સમાચાર સામે આવી…

ગટરમાં ભળેલ અને રોગચાળો નોતરે તેવું દૂષિત પાણી આવતું હોવાનો આક્ષેપ : ચૂંટણી બહિષ્કાર અને આંદોલનની મહિલાઓની ચીમકી

રાજકોટ ધોરાજીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભરઉનાળે ધોરાજીના ફરેણી રોડ પર પાણીની વિકટ સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓનો રોષ આસમાને પહોંચ્યો છે. છેલ્લા સાત-સાત વર્ષથી પીવાના પાણી માટે વલખાં મારતી મહિલાઓએ આજે રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે જૂની લાઈનોમાં ગટરવાળું અને રોગચાળો નોતરે તેવું દૂષિત પાણી આવી રહ્યું છે. તંત્રની આંખ આડા કાન કરવાની નીતિથી કંટાળીને હવે આ મહિલાઓએ ચૂંટણી બહિષ્કાર અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

દ્રશ્યોમાં રસ્તા પર ઉતરી આવેલી અને હાથમાં ખાલી બેડાં લઈને ઊભેલી આ મહિલાઓ ધોરાજીના વોર્ડ નંબર 4, ફરેણી રોડ વિસ્તારની છે. અહીં 400 થી 500 જેટલા ઘરો આવેલા છે, જે છેલ્લા 5 થી 7 વર્ષથી પીવાના શુદ્ધ પાણી માટે તરસી રહ્યા છે. આકરા ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને નાના બાળકોને 4 થી 5 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા માટે રઝળપાટ કરવો પડે છે. લોકોને નવી પાઇપલાઇનના નામે માત્ર વાયદાઓ મળ્યા છે, અને જૂની પાઇપલાઇનમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી આવે છે. આ પ્રદૂષિત પાણી પીવાને કારણે સ્થાનિકોમાં ચામડીના રોગો અને ઝાડા-ઉલ્ટીના કેસ વધી રહ્યા છે.

અમારે 400 થી 500 ઘર છે પણ પાણી સાવ આવતું નથી. 4-5 કિલોમીટર દૂર નાના બાળકો અને દીકરીઓને પાણી ભરવા મોકલવા પડે છે. જૂની લાઈનમાં બેકાર અને ગટર જેવું પાણી આવે છે જેનાથી ચામડીના રોગ અને ઝાડા-ઉલ્ટી થઈ જાય છે. નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ તો કોઈ સહાય મળતી નથી. જો પાણી નહીં મળે તો અમે મત આપવા નહીં જઈએ અને કાયદેસરની કાર્યવાહી કરીશું.

પીવાનું શુદ્ધ પાણી એ દરેક નાગરિકની પ્રાથમિક જરૂૂરિયાત છે અને અધિકાર પણ છે. છતાં ધોરાજી નગરપાલિકા ફરેણી રોડના આ 500 જેટલા પરિવારોને પાણી આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. હવે જોવાનું એ રહે છે કે મહિલાઓના આ ચક્કાજામ અને ઉગ્ર વિરોધ બાદ એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ જાગે છે કે પછી લોકોને હજુ પણ ગટરનું પાણી પીવા મજબૂર થવું પડશે?