દડિયા ગામે મકાનના ડિમોલિશન દરમિયાન મહિલાએ ફિનાઇલ પીધું

જામનગર તાલુકાના દડિયા ગામે મકાનના ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એક મહિલાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી છે. પ્રાપ્ત વિગતો મુજબ, બાબાસાહેબ આંબેડકર હોલની…

જામનગર તાલુકાના દડિયા ગામે મકાનના ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એક મહિલાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી છે. પ્રાપ્ત વિગતો મુજબ, બાબાસાહેબ આંબેડકર હોલની બાજુમાં રહેતા મંજુબેન ભરતભાઈ દનેચાએ મકાન તોડવાની કાર્યવાહી દરમિયાન ફિનાઈલ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દારૂડિયા પતિને પકડાવી દેતી પત્ની
જામનગર શહેરમાં દારૂના નશામાં પત્નીઓ સાથે ઝઘડો કરનારા બે પતિઓને તેમની પત્નીઓએ જ 112 જનરક્ષક સેવામાં ફોન કરીને પોલીસના હવાલે કર્યાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. બંને બનાવોમાં પોલીસ સ્થળ પર દોડી પહોંચી હતી, અને આરોપીઓને કસ્ટડીમાં લઈ તપાસ કરતાં તેઓ દારૂના નશામાં હોવાનું તેમજ તેમની પાસે કોઈ માન્ય પાસ-પરમિટ ન હોવાનું જણાતાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) અને 85(1) હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવ રણજીતસાગર રોડ વિસ્તારનો છે. વનીતાબેન હરીશભાઈ લઢેરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિ હરીશભાઈ જીવાભાઈ લઢેરી દારૂના નશામાં ઘરે આવી તેમની સાથે ગાળો બોલી ઝઘડો કરવા લાગતાં તેમણે 112 જનરક્ષક સેવામાં ફોન કરીને પોલીસની મદદ માગી હતી. જનરક્ષક ટીમ સ્થળે પહોંચી હરીશભાઈને સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં તપાસ દરમિયાન તેઓ નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.

બીજો બનાવ દિગ્વિજય પ્લોટ વિસ્તારનો છે. ગોમતીબેન દીનેશભાઈ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પતિ દીનેશભાઈ ચનાભાઈ ચૌહાણ દારૂના નશામાં ઘરે આવી બોલાચાલી અને ઝઘડો કરવા લાગતાં તેમણે પણ 112 ઇમરજન્સી સેવા પર ફોન કર્યો હતો. પોલીસ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી દીનેશભાઈને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લાવી હતી. પંચોની હાજરીમાં તપાસ કરતાં તેઓ પણ દારૂના નશામાં હોવાનું અને કોઈ માન્ય પાસ-પરમિટ ન હોવાનું બહાર આવ્યું હતું. બંને અલગ-અલગ બનાવોમાં પોલીસે આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) અને 85(1) હેઠળ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.