મેલડી માતાજીના દર્શને જતા હતા ત્યારે બની ઘટના, ઈજાગ્રસ્તોને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ફરી એકવાર વન્યપ્રાણીઓનો ભય સપાટી પર આવ્યો છે. ઉપલેટા તાલુકાના ઢાંક ગામે મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહેલા બે વ્યક્તિઓ પર અજાણ્યા જંગલી જાનવરે હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે.દર્શને જતા રસ્તામાં જાનવર ત્રાટક્યું બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ઢાંક ગામના સરપંચ સંજયભાઈ લુણસિયા અને તેમના મિત્ર નિતેશભાઈ ધામી ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા.
આ દરમિયાન અચાનક ઝાડીઓમાંથી એક જંગલી જાનવર ધસી આવ્યું હતું અને બંને પર હુમલો કરી દીધો હતો. સરપંચ સંજયભાઈના જણાવ્યા અનુસાર, આ જાનવર ’નાયડુ’ (સ્થાનિક બોલીમાં જરખ કે મોટા કદનું જંગલી શ્વાન) હોવાનું અનુમાન છે. એક ગંભીર, ફોરેસ્ટ વિભાગ દોડતું થયું આ હુમલામાં સરપંચ સંજયભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે તેમની સાથે રહેલા નિતેશભાઈ ધામીને જાનવરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. તાત્કાલિક બંનેને સારવાર અર્થે ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણ થતાં ગ્રામજનોના ટોળા એકઠા થયા હતા અને સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આ હુમલો કરનાર પ્રાણી દીપડો, ઝરખ કે અન્ય કોઈ જાનવર છે તે દિશામાં પગેરું દબાવી તપાસ હાથ ધરી છે.

