Site icon Gujarat Mirror

પુત્રને ઠપકો આપવા બાબતે દંપતી વચ્ચે તકરાર થતા પત્નીએ ફીનાઈલ પીધુ

 

મહિલાને સારવારમાં ખસેડાઇ

રાજકોટ શહેરના થોરાળા પોલીસ ચોકી સામે આવેલી મનહર સોસાયટીમાં રહેતા એક પરિણીતાએ નજીવી બાબતે થયેલા ઝઘડા બાદ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મુમતાઝબેન અયુબભાઈ પઢાણા (ઉં.વ. 42) એ આજે મોડી રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ પોતાના ઘરે ફીનાઈલ પી લીધું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હાલ તેમની તબિયત પર તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.આ ઘટના પાછળનું કારણ કૌટુંબિક ઝઘડો હોવાનું સામે આવ્યું છે.જાણવા મળ્યું છે કે, મુમતાઝબેનનો નાનો પુત્ર ઘરની બહાર રમવા ગયો હતો.જે બાબતે તેના પિતા અયુબભાઈએ પુત્રને ઠપકો આપ્યો હતો.સંતાનને ઠપકો આપવાની આ વાત મુમતાઝબેનને ન ગમતા દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ મનદુ:ખમાં આવી જઈને આવેશમાં આવી ગયેલા મુમતાઝબેને રાત્રિના સમયે ફીનાઈલ પી લીધું હતું. ઉલ્લેખનીય છે કે મુમતાઝબેનને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે.આ મામલે હોસ્પિટલ ચોકી દ્વારા થોરાળા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version