કેન્સર પીડિત પતિની ચિંતા અને સારવાર પાછળ ઉભી થયેલી આર્થિક ભીંસથી પત્નીનો આપઘાત

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા વિવેકાનંદનગરમાં રહેતાં મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. તેમના પતિને કેન્સર હોઇ બિમારી પાછળ…

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા વિવેકાનંદનગરમાં રહેતાં મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. તેમના પતિને કેન્સર હોઇ બિમારી પાછળ મોટો ખર્ચ થતો હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી મુજબ મુજબ કોઠારીયા રોડ પર આવેલા વિવેકાનંદનગર શેરી નં. 14માં રહેતા આશાબેન જગદીશભાઈ વિરાણી (ઉ.વ.49)એ ગઇકાલે સવારે ઘરે ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. આ અંગે ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં આપઘાત કરનારા આશાબેનના પતિ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આશાબેનના પતિને કેન્સર હોઇ સારવાર પાછળ ખુબ ખર્ચ થતો હતો. મોઢાના કેન્સરને કારણે અગાઉ બારથી વધુ ઓપરેશન કરાવ્યા હતાં. વધુ એક ઓપરેશન અમદાવાદ હોસ્પિટલ ખાતે કરાવવાનું હતું. પતિનું દર્દ અને તેમની સારવાર પાછળ થઇ રહેલા ખર્ચને કારણે ઉભી થયેલી આર્થિક ભીંસને કારણે આશાબેન ખુબ ચિંતામાં મુકાઇ જતાં આ પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. આ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.