દારૂના નશામાં પુત્ર સાથે ઝઘડો કરતા પતિને સમજાવવા વચ્ચે પડેલી પત્ની પર હુમલો

શહેરમાં હુડકો ચોકડી નજીક રણુજા મંદિર પાસે દારૂના નશામાં પુત્ર સાથે ઝઘડો કરતા પતિને સમજાવવા વચ્ચે પડેલી પત્ની ઉપર પતિએ હુમલો કરી માર માર્યો હતો.…

શહેરમાં હુડકો ચોકડી નજીક રણુજા મંદિર પાસે દારૂના નશામાં પુત્ર સાથે ઝઘડો કરતા પતિને સમજાવવા વચ્ચે પડેલી પત્ની ઉપર પતિએ હુમલો કરી માર માર્યો હતો. પરિણીતા ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હુડકો ચોકડી પાસે રણુજા મંદિર નજીક ફૂટપાર્થ પર રહેતી કેશરબેન પ્રકાશભાઇ સાડમીયા નામની 35 વર્ષની પરિણીતા સાથે તેના પતિ પ્રકાશ સાડમીયાએ ઝઘડો કરી મુઢ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં પતિ પ્રકાશ સાડમીયા દારૂના નશામાં સગીર પુત્ર સંજય સાડમીયા સાથે ઝઘડો કરતો હતો. જેથી કેશરબેન છોડાવવા વચ્ચે પડતા પતિએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં રેલનગરમાં આવેલ શ્યામજીકૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતી સાયબાબેન મહમ્મદ અલી ડેડીયા નામની 18 વર્ષની પરિણીતાએ કોઇ અગમ્ય કારણસર ફિનાઇલ પી લીધુ હતું. જયારે માનસરોવર પાર્ક ખાતે રહેતા જયવિર વિઠ્ઠલભાઇ મોરવાડીયા (ઉ.વ.23)એ કોઇ અગમ્ય કારણોસર એસીડ ગટગટાવી લીધુ હતુ. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.