જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ પોતાના જ પતિને દારૂૂના નશામાં ઘરે આવી ગાળો આપી ઝઘડો કરતાં પોલીસના હવાલે કરાવી દીધો હતો. ફરિયાદ મુજબ, મોતી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતી એક મહિલાના પતિ દીપેનભાઈ ધોડકિયા મધરાતે દારૂૂના નશામાં ઘરે આવ્યા હતા. નશાની હાલતમાં તેમણે પત્નીને ગાળો આપી ઝઘડો શરૂૂ કરતાં મહિલાએ રાત્રે લગભગ 12:47 વાગ્યે 112 જનરક્ષક સેવાને ફોન કરી મદદ માગી હતી.
બાદમાં જનરક્ષકની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પતિ-પત્ની બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાં દીપેનભાઈની હાલત ચકાસવામાં આવતા તેમની જીભ થોથરાતી હોવાનું, આંખો લાલચોળ હોવાનું તેમજ શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂૂ પીવાની કોઈ કાયદેસર પરમીટ અંગે પૂછતાં તેમણે આવી કોઈ પરમીટ ન હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે પંચનામું કરી દીપેનભાઈ ધોડકિયાની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
