સુરતના ગેરકાયદે ડિમોલિશન મુદ્દે સરકાર કેમ ચૂપ? હાઇકોર્ટની ઝાટકણી

મ્યુનિસિપલ કમિશનરે તપાસ કમિટી બનાવી, પોલીસે નિવેદનો લીધા છતાં સરકારના પેટનું પાણી ન હલતા હાઇકોર્ટે જવાબ માંગ્યો: અઠવાડિયામાં સ્ટેન્ડ ક્લિયર કરવા આદેશ સુરતના નાસીરનગર વિસ્તારમાં…

મ્યુનિસિપલ કમિશનરે તપાસ કમિટી બનાવી, પોલીસે નિવેદનો લીધા છતાં સરકારના પેટનું પાણી ન હલતા હાઇકોર્ટે જવાબ માંગ્યો: અઠવાડિયામાં સ્ટેન્ડ ક્લિયર કરવા આદેશ

સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદિત ડિમોલીશનનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે આજે યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસને આકરા સવાલો કર્યા હતા. ડિમોલીશનની તપાસ માટે ડેપ્યુટી કમિશરના અધ્યક્ષ સ્થાને રચાયેલી કમિટીને લઈ પણ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું કે, આમાં રાજ્ય કેમ એક્ટિવ નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ લોકલ અધિકારીનું કામ નથી, કોઈને ટેકો હોવો જોઈએ.

હાઇકોર્ટે સરકાર પાસે બે મુખ્ય મુદ્દા પર જવાબ માંગ્યો છે. કોર્ટે રોષે ભરાતા કહ્યું કે, ’150 લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં તેના પર તરત કેમ કાર્યવાહી ન થઈ? ઘટનાસ્થળે સિનિયર ઓફિસરો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. એક મહિના અને બે દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પોલીસે એફઆઈઆર (FIR) કેમ નથી નોંધી? તમે માત્ર ઇન્કવાયરી-ઇન્કવાયરી રમો છો, કોઈ નક્કર પગલાં કેમ નથી લીધા?” કોર્ટે આકરા શબ્દોમાં ઉમેર્યું કે, “તમારામાં કોઈ કોમનસેન્સ જ નથી. ડિમાર્કેશન માટે ગયેલી કોર્પોરેશનને આટલા મોટા પોલીસ બંદોબસ્તની શું જરૂૂર પડી? શું તમારા પોલીસ અધિકારીઓને ડિમાર્કેશનનો અર્થ પણ નથી ખબર?’

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે, આ પ્રથમદર્શી ગેરકાયદે ડિમોલીશન છે. અરજદારોને દબાણકર્તા કહેવા યોગ્ય નથી. અસરકર્તાઓને મૂળ સ્થળે અથવા બીજે વસાવવાનો પ્લાન રજૂ કરો. સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ કરતા કહ્યું કે, આમાં રાજ્યનું સ્ટેન્ડ શું છ? જેના જવાબમાં સરકારી વકીલે કહ્યું હતું કે તેમાં પોલીસ સિવાય રાજ્ય સંકળાયેલું નથી. ત્યારે કોર્ટે કહ્યું કે, કેમ રાજ્યની નાગરિકો પ્રત્યે જવાબદારી નથી. શા માટે રાજ્ય નથી કહેતું કે આ ગેરકાનૂની છે. શા માટે કોઈ પગલાં નહીં?.

તમે આ બાબતને લોકલ ગણતા હોવ તો અમે તેવી રીતે જોઈએ. નાસીરનગર ડિમોલીશન માટે સુરત મનપાના ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષપદે કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે તેને લઈ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, કમિશનર કરતા ઉચા લેવલના અધિકારીની તપાસની જરુર છે. કોર્પોરેશન આવી રીતે ચાલે છે. આવું તો કેટલુંય થતું હશે આ તો વધારે લોકો હતા એટલે કોર્ટ સમક્ષ આવ્યા.

ડિમોલિશન ગેરકાયદેસર છે તે જાણતા હોવા છતાં હજુ સુધી પોલીસે કેમ એફઆઇઆર નથી નોંધી?
ડિમોલીશન સમયે પોલીસની કથિત હાજરીને લઈ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે. સાથે કહ્યું છે કે, એક મહિનો કરતા વધુ સમય વિત્યો પણ પોલીસ ફરિયાદ નથી થઈ. તમે હજું તપાસ જ કરો છો. ગંભીરતા ક્યાં છે. સાથે સવાલ કરતા કહ્યું કે, લોકોનું ઘર તોડી નાખવું એ ફોજદારી ગુનો નથી?

‘નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માનશો તો કોર્ટ નહીં ચલાવી લે’
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કોર્પોરેશનના રિપોર્ટ સામે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સરકારને પૂછ્યું કે, ’શું તમે નાગરિકો માટે પણ જવાબદાર નથી? કોર્પોરેશને જે રિપોર્ટ રજૂ કર્યો છે તેને ઇન્કવાયરી રિપોર્ટ જ ના કહેવાય. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને તમે સંતોષ માની લો તેવું કોર્ટ માનવા તૈયાર નથી.’ સરકારે એવી દલીલ કરી હતી કે આ ઘટનામાં સરકાર સીધી રીતે કોઈ જવાબદાર નથી, ત્યારે કોર્ટે વળતો પ્રહાર કરતા કહ્યું કે, ’આટલા મોટા પાયે ડિમોલિશન થયું અને તેની તમને ખબર ન હોય તેવું તો બને જ નહીં, પણ શું તમારી કોઈ જવાબદારી જ નથી? કેટલાક ઓફિસરો ભેગા થઈને આવું નક્કી કરે તેવી તમારી દલીલ ગળે ઉતરે તેવી નથી. હાઇકોર્ટમાં પિટિશન ના થાય ત્યાં સુધી કોર્પોરેશનના અધિકારીઓને ખબર જ નથી પડતી કે આ કોણે કર્યું?’