તમિલનાડુમાં અંતે વિજય જોસેફના મુખ્યમંત્રીપદે શપથ થઈ ગયા ને છેલ્લા અઠવાડિયાથી ચાલતા પોલિટિકલ ડ્રામાનો અંત આવી ગયો. 234 ધારાસભ્યોની તમિલનાડુ વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી માટે 118 ધારાસભ્યોનો ટેકો જોઈએ પણ વિજયની તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) પાર્ટીને 108 બેઠકો જ મળતાં બહુમતીમાં 10 સભ્યો માટે પનો ટૂંકો પડી ગયેલો. વિજયની શપથવિધિ સાથે એક ઈતિહાસ પણ સર્જાઈ ગયો. 1969માં તમિલનાડુ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર સુધી ડીએમકે અને એઆઈએડીએમકે એ બે પાર્ટીના નેતા તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા.
સ્થાપનાનાં 57 વર્ષ પછી પહેલી વાર તમિલનાડુમાં ડીએમકે અને એઆઈએડીએમકેના ના હોય એવા નેતાને મુખ્યમંત્રીપદ મળ્યું છે એ તમિલ રાજકારણમાં મોટા પરિવર્તનનો સંકેત છે. વિજયની તાજપોશી સાથે તમિલનાડુમાં ફરી એક વાર ફિલ્મો સાથે સંકળાયેલા નેતા સત્તાસ્થાને આવી ગયા છે. તમિલ ફિલ્મોના ધુરંધર સ્ક્રીપ્ટ રાઈટર કરુણાનિધી 1969માં તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા પછી એમ.જી. રામચંદ્રન (એમજીઆર), એમજીઆરનાં પત્ની જાનકી અને એમજીઆરનાં પ્રેમિકા જયલલિતા એમ ફિલ્મો સાથે સંકળાયેલી ચાર વ્યક્તિ તમિલનાડુમાં મુખ્યમંત્રી બની.
વિજયની તાજપોશી બીજી રીતે પણ મહત્ત્વની છે. ભાજપે તમિલનાડુમાં હિંદુત્વના જોરે ઘૂસવાનો પ્રયત્ન કર્યો પણ ફાવ્યો નથી. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિરોધી નિવેદનો આપ્યાં એ સહિતના મુદ્દાઓને ભાજપે જોરશોરથી ચગાવેલા. ઉદયનિધિની પાર્ટી ડીએમકે હારી ગઈ પછી સોશ્યલ મીડિયા પર કેટલાક વાયડાઓએ લખ્યું કે, તમિલ પ્રજાએ સનાતન ધર્મનું અપમાન કરનારા ઉદયનિધિ અને તેના-બાપ સ્ટાલિનને તેમની ઔકાત બતાવી દીધી. સ્ટાલિન અને ઉદયનિધિની -હાર સનાતન ધર્મની જીત છે. ભલા માણસ, તમિલોને સનાતન ધર્મ માટે એટલો જ ઉભરો આવ્યો તો ભાજપને કેમ બહુમતી ના આપી ? ભાજપને તો ગણીને એક બેઠક મળી છે. ભાજપને વધારે બેઠકો કેમ ના મળી? ને વિજય તો હિંદુ પણ નથી, ખ્રિસ્તી છે. તમિલ પ્રજા વિજયનો ધર્મ જોયા વિના તેના પર કેમ વરસી પડી ? કમ સે કમ અત્યારે તો તમિલ પ્રજાનું માનસ આ જ છે.
તમિલનાડુની વસતીમાં 87 ટકા તો હિંદુઓ છે જ્યારે મુસ્લિમ ને ખ્રિસ્તી તો છ-છ ટકા જ છે એ છતાં એક ખ્રિસ્તીને લોકો પોતાના નેતા ચૂંટે તેનો અર્થ એ થાય કે, આ પ્રજા માટે ધર્મ મહત્વનો જ નથી. ધર્મના નામે ઉન્માદ પેદા કરનારા કે ભડકાવનારા નેતા કે એવા નેતાઓની બનેલી સરકાર તેમને નથી જોઈતી. કોસીઓ ને બીજા દંભી રાજકીય પક્ષોના કારણે સેક્યુલારિઝમ શબ્દ બદનામ થઈ ગયો પણ તમિલ પ્રજા અત્યારે તો સાચા અર્થમાં સેક્યુલર તરીકે વર્તી છે.
