શેરબજારમાં તાઇવાન કેમ ભારતથી આગળ નીકળી ગયું?

વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઊથલપાથલ વચ્ચે એક મહત્વની ઘટના તરફ લોકોનું ધ્યાન ગયું નથી. આ ઘટના વિશ્વમાં સ્ટોક માર્કેટના કેપિટલાઈઝેશનના આધારે…

વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઊથલપાથલ વચ્ચે એક મહત્વની ઘટના તરફ લોકોનું ધ્યાન ગયું નથી. આ ઘટના વિશ્વમાં સ્ટોક માર્કેટના કેપિટલાઈઝેશનના આધારે થયેલા રેન્કિંગમાં ફેરફાર છે. અત્યાર સુધી આ યાદીમાં ભારત પાંચમા સ્થાને હતું પણ હવે છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. થોડા સમય પહેલાં આપણે જીડીપીમાં પાંચમા સ્થાનેથી સરકારીને છઠ્ઠા સ્થાને જતા રહેલા ને હવે શેરબજારોમાં પણ ભારતને પાછળ ધકેલીને તાઈવાન પાંચમા સ્થાને આવી ગયું છે. ભારતના શેરબજારોનું માર્કેટ કેપિટલાઈઝેશન સોમવારે 4.92 ટ્રિલ્યન ડોલર હતું જ્યારે તાઈવાનનાં શેરબજારોનું માર્કેટ કેપિટલાઈઝેશન 4.95 ટ્રિલ્યન ડોલર હતું એ જોતાં ભારત અને તાઈવાન વચ્ચે અત્યારે ઝાઝો ગેપ લાગતો નથી પણ ધીરે ધીરે આ ગેપ વધી શકે છે કેમ કે વિદેશી રોકાણકારોના કારણે તાઈવાનનું શેરબજાર તેજીથી ફાટફાટ થઈ રહ્યું છે જ્યારે ભારતનાં શેરબજારોમાં સુસ્તીનો માહોલ છે.

અલબત્ત તેને માટે પણ તાઈવાન સરકારે લીધેલો એક સ્માર્ટ નિર્ણય તો જવાબદાર છે જ. તાઈવાનમાં પહેલાં કોઈ પણ ફંડ કોઈ એક લિસ્ટેડ કંપનીમાં પોતાના કુલ ભંડોળના 10 ટકાનું રોકાણ કરી શકતા હતા. તાઈવાન સરકારે ગયા મહિને નિયમોમાં ફેરફાર કરીને આ મર્યાદા 25 ટકા કરી નાંખી તેમાં તાઈવાન સેમીકંડક્ટર્સ મેન્યુફેક્ચરિંગ કંપનીના શેરોમાં રોકાણ કરવા પડાપડી થઈ રહી છે. કમનસીબે આપણી પાસે આ લેવલની કોઈ કંપની નથી. આવકની રીતે તેની નજીક આવી શકે એવી કેટલાંક કોર્પોરેટ ગ્રૂપ છે, પણ પ્રોડક્ટની રીતે તાઈવાન સેમીકંડક્ટર્સ મેન્યુફેક્ચરિંગ કંપનીની નજીક પણ આવે એવી કોઈ કંપની નથી. તાઈવાન સેમીકંડક્ટર્સ મેન્યુફેક્ચરિંગ કંપની સેમીકંડક્ટર ચિપ્સ બનાવે છે ને તેની મોનોપોલી છે. જર્મની, જાપાન, અમેરિકા જેવા દેશોમાં તેના પ્લાન્ટ આવેલા છે. આપણે બટાકાની ચિપ્સ ને ઝાલમુરીમાં અટવાયેલા છીએ ત્યારે આ કંપની 100 કરતાં વધારે દેશોમાં તેની ચિપ્સની નિકાસ કરે છે.

અત્યાર લગી આપણે શેરબજારની તેજીનો હવાલો આપીને અર્થતંત્રમાં ફૂલગુલાબી તેજી હોવાનું ચિત્ર ઊભું કર્યું પણ અઢી કરોડની વસતિ ધરાવતો તાઈવાન જેવો દેશ આપણાથી આગળ નિકળી જાય ને રોકાણકારોને આપણા કરતાં તાઈવાનના શેરબજારમાં રોકાણમાં વધારે માલ લાગે ત્યારે આપણે વાસ્તવવાદી બનીને ગંભીરતાથી વિચારવું જોઈએ. આપણે મેન્યુફેક્ચરિંગમાં ક્યાંય નથી એ હકીકત સ્વીકારીને તેને કઈ રીતે મજબૂત કરી શકાય ને આયાત પરની નિર્ભરતા ઘટાડીને કઈ રીતે નિકાસ વધારવી જોઈએ એ વિશે ગંભીરતાથી વિચારીને નક્કર વ્યૂહરચના બનાવવી જોઈએ. તેના માટે વિઝનરી અર્થશાસ્ત્રીઓનું નેતૃત્વ જોઈએ, હા આ કમાન્ડની જીહજૂરી કરનારા નેતા ને તેમની ચાપલૂસી કરી ખાતા અધિકારીઓ ના ચાલે.