Site icon Gujarat Mirror

“તું અમારી સામે કેમ જુએ છે” તેમ કહી પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો યુવાન પર પાઇપ વડે તૂટી પડયા

 

રાજકોટના સર ગામે રહેતો યુવાન રાત્રીના સમયે પોતાના ગામમાં પાનના કેબીને ફાકી ખાવા ગયો હતો ત્યારે પાનની દુકાન સામે રહેતા પિતા પુત્ર સહિત ત્રણ શખ્સોએ તું અમારી સામે કેમ જોવે છે તેમ કહી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના સર ગામે રહેતા નરશી નાથાભાઈ રાઠોડ નામનો 41 વર્ષનો યુવાન રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં હતો ત્યારે વજા રાઠોડ, મનુ રાઠોડ અને મહેશ રાઠોડએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. નરશી રાઠોડને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત નરશી રાઠોડે હુમલાખોર પિતા પુત્ર સહિત ત્રણેય વિરુદ્ધ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અને ફરિયાદમાં જણાવ્યા મુજબ નરશી રાઠોડ બંને હાથે વિકલાંગ છે અને રાત્રીના સમયે ગામમાં પાનની કેબીને ફાકી ખાવા ગયો હતો ત્યારે પાન ફાકીની દુકાન સામે રહેતા હુમલાખોર ત્રણેય શખ્સોએ તું અમારી સામે કેમ જોવે છે તેમ કહ્યું હતું જેથી નરશી રાઠોડે બાઈકનો અવાજ આવતા ઉંચું ઉપાડીને જોતા તમારી સામે જોવાઈ ગયું હોવાનું કહેતા ત્રણેય શખ્સોએ માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version