“પોલીસ સાથે કેમ સંબંધ રાખે છે”કહી રિક્ષાચાલક પર મિત્રનો ધારીયા વડે હુમલો

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે ગુનાખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોલીસ સાથે સંબંધ રાખવા જેવી સામાન્ય બાબતમાં એક રિક્ષાચાલક યુવક…

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે ગુનાખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોલીસ સાથે સંબંધ રાખવા જેવી સામાન્ય બાબતમાં એક રિક્ષાચાલક યુવક પર તેના જ મિત્ર દ્વારા ધારીયા જેવા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ચકચારી ઘટના રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારીયા મેઈન રોડ પર ઘટી હતી. ઘટનાને પગલે ભક્તિનગર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, કોઠારીયા રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટી શેરી નંબર 3 માં રહેતા અને પોતાની સીએનજી ઓટો રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા 32 વર્ષીય વિક્રમસિંહ પ્રવીણસિંહ જાડેજા ગત તારીખ 3 જૂન 2026 ના રોજ રાત્રિના આશરે દશેક વાગ્યે દેવપરા રાંદલ વિદ્યાલય પાસે પોતાની રિક્ષા ઊભી રાખીને બેઠા હતા.

આ દરમિયાન તેઓ નજીકમાં આવેલી સંતોષ ઘુઘરાવાળાની દુકાને પાણી પીવા માટે ગયા હતા. ત્યાં તેમનો મિત્ર કિશન નલીનભાઇ ડાભી અચાનક આવી પહોંચ્યો હતો અને વિક્રમસિંહ સાથે તકરાર શરૂૂ કરી દીધી હતી.
આરોપી કિશન ડાભીએ ફરિયાદી વિક્રમસિંહને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, “તું પોલીસ સાથે કેમ સંબંધ રાખે છે?” આટલું કહીને ઉશ્કેરાયેલા આરોપીએ કોઈપણ જાતના પ્રશ્ન વગર પોતાના હાથમાં રહેલા ધારીયા જેવા તીક્ષ્ણ અને ઘાતક હથિયાર વડે વિક્રમસિંહના માથાના ભાગે જમણી બાજુ કપાળ ઉપર જોરદાર ઘા ઝીંકી દીધો હતો.

આ હુમલાના કારણે રિક્ષાચાલક લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલો કર્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે ઈજાગ્રસ્ત વિક્રમસિંહ તાત્કાલિક પોતાની રિક્ષા જાતે ચલાવીને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.આ હુમલા અંગે વિક્રમસિંહ જાડેજાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કિશન નલીનભાઇ ડાભી વિરુદ્ધ વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે.