મને કોણે બોલાવ્યો? 9 પોલીસકર્મીને છરીના ઘા ઝીંકી દીધા

મધ્ય દિલ્હીના ડીસીપી રોહિત રાજબીર સિંહ અનુસાર 30 વર્ષનો નબીલ પોતાની મા અને બહેનને હેરાન કરી રહ્યો હતો. બંનેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓએ નબીલને…

મધ્ય દિલ્હીના ડીસીપી રોહિત રાજબીર સિંહ અનુસાર 30 વર્ષનો નબીલ પોતાની મા અને બહેનને હેરાન કરી રહ્યો હતો. બંનેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓએ નબીલને સમજાવવા અને આ મામલે મધ્યસ્થી બનવા માટે પોલીસ પાસે મદદ માગી હતી. પરંતુ ત્યાર બાદ તે ત્યાં પહોંચ્યો હતો. તે સમયે તેની મા અને બહેન પણ ત્યાં હાજર હતી.

પોલીસ સ્ટેશનમાં પહોંચતા જ રિસેપ્શનમાં નબીલે પોલીસકર્મીઓને સવાલ કર્યો કે તેને કોણે બોલાવ્યો છે? એસઆઈ અજયે આગળ આવીને જણાવ્યું કે, તેણે જ તેને બોલાવ્યો હતો. ત્યાર બાદ નબીલે ખિસ્સામાંથી ચાકૂ કાઢ્યું અને અચાનક એસઆઈ અજય પર હુમલો કરી દીધો. પોલીસ અનુસાર તે પહેલાથી જ તેની સાથે ચાકૂ છૂપાવીને આવ્યો હતો. એસઆઈ અજય પર હુમલો થયા પછી પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓ તેને બચાવવા પહોંચ્યા હતા. પરંતુ નબીલે તેઓ પર પણ ચાકૂથી હુમલો કરી દીધો. તેણે પોલીસકર્મીઓના ચહેરા અને ગળાના ભાગે ચાકુના ઘા માર્યા. આ હુમલામાં એસઆઈ અજય, એસઆઈ અરવિંદ, હેડ કોન્સ્ટેબલ હરેન્દ્ર, એએસઆઈ શ્રીકૃષ્ણ અને હેડ કોન્સ્ટેબલ બલજીત ઘાયલ થઈ ગયા હતા.

પાંચ પોલીસકર્મીઓ પર હુમલો કરી નબીલ ફરાર થઈ ગયો હતો. પોલીસકર્મીઓએ તેનો પીછો કર્યો એ દરમિયાન તેણે રસ્તામાં એક સ્કૂટર સવારને રોક્યો, તેની સાથે મારામારી કરી અને તેની પાસેથી સ્કૂટર આંચકીને ચિતલી કબ્ર તરફ ભાગી ગયો. ઘટના બાદ પોલીસની ઘણી ટીમો તેની શોધમાં જોડાઈ હતી. પોલીસ ટીમોએ શોધખોળ દરમિયાન નબીલને ચિતલી કબ્ર વિસ્તારમાં ઘેરી લીધો. પોલીસ અનુસાર, ઘેરાયા પછી પણ તેણે હથિયાર છોડ્યું નહીં. તેણે પોલીસકર્મીઓ પર બીજીવાર ચાકુથી હુમલો કરી દીધો. આ દરમિયાન વધુ ચાર જવાન ઘાયલ થઈ ગયા. આમ જામા મસ્જિદ પોલીસ સ્ટેશન અને ચિતલી કબ્રમાં થયેલા હુમલામાં કુલ 9 પોલીસકર્મી ઘાયલ થયા.

પોલીસ અનુસાર ચિતલી કબ્રમાં સ્થિતિ વણસતા જવાનોએ સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું. પોલીસ ટીમે કુલ આઠ રાઉન્ડ ફાયર કર્યા. જેમાંથી છ ગોળીઓ નબીલને કમરના નીચેના ભાગે લાગી. તે ઘાયલ થઈને પડી ગયો, ત્યાર બાદ પોલીસે તેને કાબૂમાં કર્યો અને એલએનજેપી હોસ્પિટલ ખસેડ્યો. ત્યાં તેની સારવાર શરૂૂ કરવામાં આવી છે.

બીજી બાજુ ઘાયલ પોલીસકર્મીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાંચ જવાનોને સર ગંગારામ હોસ્પિટલ લઈ જવાયા છે. તેમાંથી એસઆઈ અજય અને એસઆઈ અરવિંદ સહિત ચારની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.