રાષ્ટ્રીય
આવા ગુંડાને CM હાઉસમાં કોણ રાખે? સ્વાતિ માલીવાલ કેસમાં સુપ્રીમ લાલઘુમ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી બિભવ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બિભવ પર આમ આદમી પાર્ટી સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે બિભવને જોરદાર ઠપકો આપતા કહ્યું હતું કે, શું તમને એક મહિલા સાથે આવું વર્તન કરતાં શરમ નથી આવતી?
બિભવ તરફથી હાજર થયેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ત્રણ દિવસ પછી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. માલીવાલ પોલીસ સ્ટેશન ગઈ પરંતુ એફઆઇઆર નોંધાયા વગર પરત ફરી. જ્યારે કોર્ટે ચાર્જશીટ વિશે પૂછ્યું ત્યારે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, અમે જે આદેશને પડકાર્યો છે તે આદેશ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે રીતે ઘટનાઓ બની છે તેનાથી અમે ચોંકી ગયા છીએ. શું મુખ્યમંત્રીનો બંગલો ખાનગી રહેઠાણ છે? શું આવા ગુંડાઓને રાખવા માટે તે ઓફિસની જરૂૂર છે? શું આ રીત છે? અમને નવાઈ લાગી. પ્રશ્ન એ છે કે આ કેવી રીતે થયું. માલીવાલે તેને રોકાવાનું કહ્યું પણ તે વ્યક્તિ રોકાયો નહીં. તે શું વિચારે છે? શું તેના માથા ઉપર કોઈ શક્તિ સવાર છે? તમે ભૂતપૂર્વ સચિવ હતા, જો પીડિતાને ત્યાં રહેવાનો અધિકાર ન હતો, તો તમને ત્યાં રહેવાનો કોઈ અધિકાર નથી. તમે એવું દેખાડ્યું કે જાણે કોઈ ગુંડો પરિસરમાં ઘૂસ્યો હોય. શું તમને આવું કરવામાં કોઈ શરમ આવે છે? સ્વાતિ એક યુવતી છે.
તમને લાગે છે કે એ રૂૂમમાં હાજર કોઈને પણ બિભવ સામે કંઈ કહેવાની હિંમત થઈ હશે?કેસમાં આરોપીઓને જામીન મળ્યાનો ઉલ્લેખ કર્યો ત્યારે જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે, અમને તે કેસોના સંદર્ભો ન આપો, કારણ કે અહીં કેવી રીતે ઘટના બની તે અમારી ચિંતાનું કારણ છે. સ્ત્રી સાથે આવું વર્તન કરતાં તમને શરમ નથી આવતી? કોન્ટ્રાક્ટ કિલર, હત્યારાઓને અમે જામીન પણ આપીએ છીએ પણ આ કિસ્સામાં કેવું નૈતિક મનોબળ છે? હવે આગામી સુનાવણી 7 ઓગસ્ટ, બુધવારે થશે.