તને કોની હવા છે કહી ચુનારાવાડ ચોક પાસે બાઇક ચાલકને છરી બતાવી 5 હજારની લૂંટ

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે, જેમાં યુવકને છરી બતાવી ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવવામાં આવી છે.રંગોલી પાર્કમાં…

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે, જેમાં યુવકને છરી બતાવી ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવવામાં આવી છે.રંગોલી પાર્કમાં રહેતા અને જલારામ એગ્રી એક્સપોર્ટ કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પ્રદિપભાઇ રાજેશભાઇ શુક્લ નામના 37 વર્ષીય યુવકે લખન બચુ અને એક અજાણ્યા શખ્સ સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી પ્રદિપભાઇ 14 મેના રોજ સાંજના સમયે પોતાના કારખાનેથી એકલા મોટરસાયકલ લઇને પોતાના ઘરે જવા નીકળ્યા હતા. રાત્રિના આશરે સવા આઠ વાગ્યાની આસપાસ તેઓ ભાવનગર રોડ પર આવેલા ચુનારાવાડ ચોક પાસે એક પાનની દુકાન નજીક પોતાનું બાઇક પાર્ક કરીને વિમલ લેવા માટે ગયા હતા. વિમલ લઇને જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે તેમના મોટરસાયકલ પર બે અજાણ્યા શખ્સો બેઠેલા જોવા મળ્યા હતા. પ્રદિપભાઇએ તેઓને બાઇક પરથી ઉભા થવાનું કહેતા જ બંને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને “તને કોની હવા છે” તેમ કહીને માથાકૂટ કરવા લાગ્યા હતા. ત્યારબાદ બંને શખ્સોએ પ્રદિપભાઇ પાસે તેમનું પાકીટ માંગ્યું હતું, પરંતુ પાકીટ આપવાની ના પાડતા જ બંને શખ્સોએ તેમની સાથે બોલાચાલી અને ઝપાઝપી શરૂૂ કરી દીધી હતી.

ઝપાઝપી દરમિયાન બંને શખ્સોમાંથી એક ઝીણા વાળવાળા અને ઘઉંવર્ણના શખ્સે પોતાના નેફામાંથી તીક્ષ્ણ છરી કાઢી પ્રદિપભાઇને બતાવી હતી અને જો પાકીટ નહીં આપે તો છરીના ઘા મારી દેવાની સીધી ધમકી આપી હતી. છરી જોઈને ગભરાઈ ગયેલા પ્રદિપભાઇએ તાત્કાલિક પોતાનું પાકીટ કાઢી આપ્યું હતું, જેમાંથી આ શખ્સે અંદર રહેલી ₹5,000ની રોકડ રકમ કાઢી લીધી હતી અને પાકીટ પરત આપીને બંને શખ્સો ત્યાંથી પગપાળા જ નાસી છૂટ્યા હતા.

બાદમાં ત્યાં એકઠા થયેલા લોકોમાંથી કોઈ વ્યક્તિએ છરી બતાવનાર શખ્સનું નામ લખન બચુ હોવાનું જણાવ્યું હતું. થોરાળા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 309(4) અને 54 મુજબ લૂંટ અને ગુનામાં મદદગારી કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.