Site icon Gujarat Mirror

તબીબ અન્ય યુવતી સાથે બેઠા હતા ત્યાં ગર્લફ્રેન્ડ આવી જતા બખેડો-મારામારી


રાજકોટ શહેરમાં આવેલી પી.ડી.યુ. મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ પી.જી. હોસ્ટેલમાં રહેતા તબીબ અન્ય યુવતિ સાથે બેઠો હતો ત્યારે ત્યાં તેની ગર્લફ્રેન્ડ પહોંચી જતા બંને વચ્ચે બખેડો થયો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. આ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી પ્રનગર પોલીસને જાણ કરી હતી. મળતી વિગતો મુજબ શહેરની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં આવેલી પી.ડી.યુ. મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી કવિતા (નામ બદલેલ છે) ગઇ તા. 8ના રોજ સાંજના સમયે જામનગર રોડ પર આવેલા રૂડા બિલ્ડીંગ પાસે પી.જી. હોસ્ટેલમાં હતી ત્યારે તેમના સર્જરી વિભાગમાં નોકરી કરતા ડો. ગર્વિતસિંગે કવિતાને ગળુ દબાવી માર માર્યો હતો.


આ ઘટનાને ચાર દિવસ વિતી ગયા બાદ કવિતાને ગળામાં દુ:ખાવો ઉપડતા તેણી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇ.એન.ટી. વોર્ડમાં સારવાર લેવા માટે દાખલ થઇ છે. આ ઘટના અંગે ફરજ પરના હાજર તબીબે એમ.એલ.સી. કેસ નોંધી હોસ્પિટલ ચોકીમાં જાણ કરતા ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસ મથકમાં ઘટનાની જાણ કરી હતી. હાલ યુવતિનું નિવેદન લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે.આ ઘટના અંગે તબીબ યુવતિએ આક્ષેપો સાથેની વિગત આપતા જણાવ્યુ હતું કે પોતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને એનેસ્થેસીયા આપવાનું કામ કરે છે.

તેમના મિત્ર ગર્વિતસિંગનો કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે આપણે ચા પીવા જવુ છે. ત્યારબાદ કવિતાએ થોડીવાર બાદ જશુ તેમ જણાવ્યુ હતું. થોડીવાર બાદ કવિતાએ તેમના મિત્ર ગર્વિતસિંગને કોલ કરતા તેમણે ફોન ઉપાડયો ન હતો અને તેણી તુરંત જામનગર રોડ પર આવેલા તબિબના કવાર્ટરમાં પહોંચી હતી જયા પહેલેથી જ અન્ય એક યુવતિ તબિબ સાથે વાતચીત કરતી હોય તે જોઇ ગર્વિતસિંગ અને તેની ગર્લફ્રેન્ડ કવિતા વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી.

Exit mobile version