બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ સાથે જોડાયેલા ચેક બાઉન્સના કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. અભિનેતા આખરે બાકી લોનની રકમનો અમુક હિસ્સો ચૂકવવા માટે સંમત થયા છે. રાજપાલ આજે સુપ્રીમ કોર્ટમાં ₹1.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ લઈને હાજર થયા હતા. તેમણે બાકીના ₹85 લાખ જમા કરાવવા માટે 13 ઓક્ટોબર સુધીનો સમય માંગ્યો હતો. રાજપાલે ન્યાયાધીશ સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી અને ફિલ્મ ‘અતા પતા લાપતા’ને કારણે થયેલા આર્થિક નુકસાન વિશે વાત કરી.
પરિસ્થિતિ પર કટાક્ષ કરતા ન્યાયાધીશે રાજપાલ યાદવને કહ્યું, “તમારી ફિલ્મોની જેમ જ તમારા પૈસા પણ ‘અતા પતા લાપતા’ થઈ ગયા છે—એટલે કે ગાયબ થઈ ગયા છે.” નિરાશ થયેલા રાજપાલે કોર્ટને કહ્યું કે લોકોનું મનોરંજન કરતાં-કરતાં હું ખુદ એક ડ્રામા બની ગયો છું’.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એ પૂછ્યું કે શું તેઓ હાલમાં કોઈ ટીવી સિરિયલ કે ફિલ્મ બનાવી રહ્યા છે કે પછી નવરા બેઠા છે. કોર્ટમાં હાજર રહીને રાજપાલ યાદવે કહ્યું, “મારા ઘણા બધા પૈસા ડૂબી ગયા છે. . આ ફિલ્મમાં મને 17 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. છેલ્લા 13 વર્ષથી સામેવાળા લોકોએ મારી ફિલ્મ બનવા દીધી નથી અને સ્ટે ઓર્ડર મેળવી લીધો હતો. તેમણે બદલાની ભાવનાથી પોતાના 5 કરોડ રૂપિયાના ચક્કરમાં મારું 22 કરોડ રૂપિયાનું નુકસાન કરાવી દીધું છે.’
રાજપાલ યાદવે વધુમાં જણાવ્યું કે, ‘શરૂઆતમાં મને કહેવામાં આવ્યું હતું કે હું 100 કરોડ રૂપિયાનો માણસ છું અને પછી મને ધમકી આપવામાં આવી કે તે મને કોર્ટમાં ઘસડી જશે. હું વર્ષોથી લોકોનું મનોરંજન કરતો આવ્યો છું, પરંતુ હવે મારી જિંદગી બરબાદ કરી દેવામાં આવી છે. મેં 200 ફિલ્મો કરી છે અને હવે મને ફરીથી કામ મળવા લાગ્યું છે, હું તેમનું સમગ્ર દેવું ચૂકવી દઈશ.’
CJIએ તેમને સારી ફિલ્મો બનાવવા અને લોકોનું મનોરંજન કરવાની સલાહ આપી. અરજીની સુનાવણી દરમિયાન, CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનનની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે અભિનેતાને બે અઠવાડિયાની રાહત આપી; આ સમયગાળા દરમિયાન રાજપાલ યાદવ દ્વારા નાણાંની ચુકવણીની વ્યવસ્થા કરવાની અપેક્ષા છે.
આ મામલો ‘મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ’ સાથે સંકળાયેલા ચેક બાઉન્સના કેસોને લગતો છે. દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને દોષિત ઠેરવીને દરેક કેસમાં ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી હતી. અગાઉની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવના વર્તન પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને નોંધ્યું હતું કે કોર્ટના વારંવારના આદેશો છતાં રકમ જમા કરાવવામાં આવી ન હતી. જસ્ટિસ સૂર્ય કાંતે ટિપ્પણી કરી હતી કે તેઓ માત્ર એટલા માટે રાજપાલની યુક્તિઓને નજરઅંદાજ કરી રહ્યા હતા જેથી ફરિયાદીને તેમના પૈસાનો અમુક હિસ્સો પાછો મળી શકે; અન્યથા, તેમનો ઈરાદો દોષિત ઠેરવવાના નિર્ણય સામેની તેમની અપીલને ફગાવી દેવાનો હતો. સુપ્રીમ કોર્ટે રાજપાલને ₹2 કરોડ જમા કરાવવા માટે એક દિવસનો સમય આપ્યો હતો અને તેમને કહ્યું હતું કે આ તેમની છેલ્લી તક હશે.
