જ્યાં બલિદાન જીત્યું અને તિરંગો લહેરાયો

  ભારતના ઈતિહાસમાં કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે જે માત્ર એક દિવસ કે એક યુદ્ધ પૂરતી મર્યાદિત નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર્ર માટે પ્રેરણાનું શાશ્વત…

 

ભારતના ઈતિહાસમાં કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે જે માત્ર એક દિવસ કે એક યુદ્ધ પૂરતી મર્યાદિત નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર્ર માટે પ્રેરણાનું શાશ્વત સ્ત્રોત બની જાય છે. દર વર્ષે 26 જુલાઈએ ઉજવાતો કારગિલ વિજય દિવસ એ એક એવો જ વિજય દિવસ છે. તેથી જ આ દિવસ આપણને ભારતીય સૈનિકોના અતૂટ સાહસ, દેશપ્રેમ અને તેના સર્વોચ્ચ બલિદાનની યાદ અપાવે છે. 1999માં લડાયેલું કારગિલનું યુદ્ધ ફક્ત સરહદની રક્ષા પૂરતું જ નહીં, પણ ભારતની અખંડિતતા, સ્વાભિમાન અને રાષ્ટ્રીય સુરક્ષાની સાહસી લડાઈ હતી. ભારતીય સેનાએ અસાધારણ પરાક્રમ દર્શાવીને વિશ્વને બતાવી દીધું કે, “ભારત પોતાની માતૃભૂમિની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.” અમારી માતૃભૂમિ સામે કોઈ આંખ ઊંચી કરીને પણ જોશે તો તેનો અંજામ આ જ આવશે.

હજારો ફૂટની ઊંચાઈ, ઓક્સિજનની અછત, બર્ફિલા પહાડો અને સતત આડેધડ ગોળીબારની વચ્ચે ભારતીય સૈનિકો માટે આ યુદ્ધ કોઈ સામાન્ય પડકાર નહોતો. જયારે જયારે માતૃભૂમિના ગૌરવની વાત આવે ત્યારે ત્યારે ભારતીય સૈનિકો માટે અસંભવ શબ્દનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી. પોતાના પરિવાર કે પોતાની ચિંતા કર્યા વગર જ એક પછી એક શિખરો સર કર્યા અને દુશ્મનોને હરાવીને, ભારતની સરહદ પર કોઈ બુરી નજર નાખનારના શું હાલ થાય એ બતાવી દીધું છે.

કારગિલ યુદ્ધમાં ઘણા અધિકારીઓ અને જવાનોની ઉંમર માત્ર વીસથી પચ્ચીસ વર્ષ વચ્ચેની જ હતી. જે ઉંમરે સામાન્ય માણસ કે યુવાન હજુ પોતાના સપનાઓ જોતાં જોતાં ભવિષ્ય તરફ ડગ માંડી રહ્યો હોય તે ઉંમરે આ વીર જવાનોએ પોતાના સપનાઓ કરતાં દેશના સ્વાભિમાનને વધુ મહત્વ આપ્યું. આટલું જ નહીં, તેમણે પોતાની તમામ સુખ-સગવડો છોડીને દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. દેશના લાખો યુવાનો જ્યારે પોતાનો કિંમતી સમય ઈન્સ્ટાગ્રામની રિલ્સ જોવામાં વેડફે છે ત્યારે એક જવાન પોતાની યુવાની મા ભોમને હોમી દે છે. એક આદર્શ મા એને કહેવાય જેનો દીકરો દેશના જવાન તરીકે પોતાની પહેચાન બનાવે.

કારગિલ પર લહેરાતો તિરંગો દરેક ભારતીયને એક જ સંદેશ આપે છે. હિંમત રાખો, સંઘર્ષ કરો અને દેશ માટે કંઈક કરી બતાવો. રાષ્ટ્રનું ભવિષ્ય માત્ર સરહદો પર લડતા સૈનકોથી જ નહીં, પરંતુ દરેક યુવાનો પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા નાગરિકથી ઘડાય છે. સૈનિકો પોતાના દેશને બચાવવા પોતાના જીવને જોખમમાં મુકતા જરાપણ અચકાતા નથી. તો આ દેશના નાગરિકો અને દેશની સરકાર પોતાના કર્તવ્યોથી શા માટે અલિપ્ત રહે છે? શા માટે ફક્ત ખિસ્સા ભરવા ખાતર જ જીવે છે? શા માટે ફક્ત પોતાનું કરીને જ જીવવું છે? આજે ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે કે નાના માણસો કદાચ પોતાની પૂરી જિંદગીમાં ઉઠી જ નહીં શકે.

યુદ્ધમાં લડનાર કે શહીદ થનાર આપણને એકતાનો અમૂલ્ય પાઠ શીખવે છે. દેશપ્રેમ જગાવવા માટે સ્કૂલો કે કોલેજોમાં જ નહીં, પણ ઘેર ઘેર તેનું યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ. જેમ જવાનો ભાષા, ધર્મ, જાતિ અને પ્રદેશનાં તમામ ભેદભાવો ભૂલીને માત્ર ભારતીય તરીકે ઊભા હોય છે. તેમ આપણે ક્યારે આ રીતે ઊભા રહીશું? ક્યારે વિભાજન છોડીને ભારત માટે જીવીશું? ભારતને ઊંચાઈએ પહોંચાડવા માટે આપણી એકતા જ સૌથી મોટું હથિયાર અને શક્તિ છે.

અંતમાં, કારગિલ વિજય દિવસ આપણને યાદ અપાવે છે કે, જીવનની સૌથી મોટી ઓળખ સફળતા નહીં, પરંતુ સમર્પણ છે. સૌથી મોટી શક્તિ સંપત્તિ નહીં, પણ સંકલ્પ છે. તેમજ સૌથી મોટું ગૌરવ પોતાના માટે જીવવામાં નહીં, પણ રાષ્ટ્ર માટે કંઈક કરી બતાવવામાં છે. કારગિલના આ અમર શહીદોને વંદન કરતા આપણે તેની આ મહાન શૌર્યગાથા આવનારી પેઢીઓના હૃદયમાં દેશપ્રેમની જ્યોત સદૈવ પ્રગટાવતા રહીએ. જય હિન્દ.