બોમ્બે હાઈકોર્ટે ગોવામાં મતદાર યાદીની ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR – વિશેષ સઘન સુધારણા) પ્રક્રિયા અંગે ચૂંટણી પંચને કેટલાક મહત્વપૂર્ણ સવાલો પૂછ્યા છે. કોર્ટે ખાસ કરીને એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો SIR પ્રક્રિયા દરમિયાન ભારતીય નાગરિકો જ મતદાર યાદીમાંથી બાકાત રહી જતા હોય, તો આ સમગ્ર કવાયતનો હેતુ શું છે?
આ મામલો પરેશ સાલગાંવકર અને તેમના પરિવારના પાંચ સભ્યો સાથે સંબંધિત છે. ભારતીય નાગરિક હોવા છતાં, તેમના નામ ગોવાની મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. પરિવારે તેમનું સરનામું અપડેટ કરવા માટે ’ફોર્મ 8’ પણ સબમિટ કર્યું હતું.
અહેવાલ મુજબ, જસ્ટિસ વાલ્મીકિ મેનેઝિસ અને જસ્ટિસ અમિત જમસાંદેકરની ડિવિઝન બેન્ચે ચૂંટણી પંચને કહ્યું હતું કે મતદાર યાદીમાં માત્ર ભારતીય નાગરિકોના જ નામ હોય તે સુનિશ્ચિત કરવાની તેમની બંધારણીય જવાબદારી છે.
કોર્ટે સવાલ કર્યો હતો કે જો ભારતીય નાગરિકોને જ યાદીમાંથી બાકાત રાખવામાં આવતા હોય તો SIR પ્રક્રિયાનો ઉદ્દેશ્ય શું છે? કોર્ટે જણાવ્યું હતું કે SIR નો આધાર એ નક્કી કરવાનો હોવો જોઈએ કે મતદાર ભારતીય નાગરિક છે કે નહીં; તેનો હેતુ માત્ર કોઈ ચોક્કસ સ્થળે મતદારની હાજરીની ચકાસણી કરવાનો ન હોવો જોઈએ.
હાઈકોર્ટે ’રજિસ્ટ્રેશન ઓફ ઈલેક્ટર્સ રૂૂલ્સ, 1960’ના નિયમ 21નો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે સમગ્ર પ્રક્રિયાને માત્ર ડ્રાફ્ટ યાદીને બદલે હાલની મતદાર યાદીના આધારે જોવી જોઈએ; અન્યથા, મતદાર પાસે તેમની સ્થિતિ સુધારવાનો કોઈ વિકલ્પ બાકી રહેશે નહીં. બેન્ચે ટિપ્પણી કરી હતી કે ચૂંટણી પંચે મતદારને એવી સ્થિતિમાં મૂક્યા છે જેને ’કેચ-22’ સ્થિતિ (એવી પરિસ્થિતિ જેમાં ઉપલબ્ધ કોઈપણ વિકલ્પ પસંદ કરવાથી સમસ્યા સર્જાય છે) તરીકે વર્ણવી શકાય.
કોર્ટે ચૂંટણી પંચને એ પણ પૂછ્યું હતું કે શું મતદાર યાદીમાંથી નામ દૂર કરતા પહેલા પરિવારને કોઈ નોટિસ આપવામાં આવી હતી. ચૂંટણી પંચ વતી હાજર રહેલા વકીલ ગૌરીશ અગ્નિએ જણાવ્યું હતું કે, પંચ પાસે મતદારોની અદ્યતન માહિતી ઉપલબ્ધ ન હોવાથી દરેક સ્તરે નોટિસ બોર્ડ પર સૂચનાઓ મૂકવામાં આવી હતી.
