ઇરાની સેનાધિકારીઓએ કડક શબ્દોમાં ટ્રમ્પના આપડહાપણને વખોડ્યું: ટ્રમ્પનો સામો ધમકીઓનો મારો
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તીવ્ર સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને કડક શબ્દોમાં નકારી કાઢ્યું છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સ્પષ્ટ જણાવ્યું છે કે જંગનો અંત ક્યારે અને કેવી રીતે થશે તેનો નિર્ણય અમેરિકા કે ઈઝરાયલ નહીં, પરંતુ ઈરાન જ લેશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં મીડિયા સાથે વાતચીતમાં દાવો કર્યો હતો કે ઈરાન સામેની જંગ હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને અમેરિકા-ઈઝરાયલના લક્ષ્યો મોટા ભાગે હાંસલ થઈ ગયા છે. તેમણે કહ્યું હતું, “ઈરાન સાથેની જંગ હવે ખૂબ જ પૂર્ણ થઈ ગઈ છે, અમે અમારા લક્ષ્યો મોટા ભાગે પ્રાપ્ત કરી લીધા છે.” ટ્રમ્પે એમ પણ ચેતવણી આપી હતી કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં તેલની આપ-લેમાં અડચણ ઊભી કરશે તો અમેરિકા 20 ગણી તીવ્રતાથી હુમલો કરશે અને એવા સ્થળોને નિશાન બનાવશે જ્યાંથી ઈરાન પાછું ઊભું થઈ શકે નહીં.
આ નિવેદનના જવાબમાં IRGCએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “જંગનો અંત અમે નક્કી કરીશું.
વિસ્તારની સ્થિતિ અને ભવિષ્ય કેવું રહેશે તે હવે અમારી સશસ્ત્ર દળોના હાથમાં છે. અમેરિકી સેના જંગને સમાપ્ત નથી કરી શકતી.” આ નિવેદનમાં ઈરાને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અયાતુલ્લાહ ખામેનેઈની હત્યા પછીની બદલાની આગ હજુ ઠંડી થઈ નથી અને તેઓ વિસ્તારના ભવિષ્ય પર પોતાનો અધિકાર જમાવવા તૈયાર છે. પુતિન સાથે લાંબી ટેલિફોનીક વાત થયા પછી ટ્રમ્પે પોતાનું વલણ ઠંડુ કરવા જતાં ઇરાને સામી કમાન ખેંચતા ફરી યુધ્ધ તો એની એ જ અનિશ્ચિતતા તરફ આગળ વધ્યું છે.

