વોર્ડ નં.2માં પાણીના ધાંધિયા, સમયપત્રક ખોરવાયું

4 રાજકોટ મહાનગરપાલિકામાં પ્રિ-મોન્સુન કામગીરીમાં વોટર વકર્સ શાખા હસ્તક માત્ર કાગળ પર જ ‘સબ સલામત’ના રિપોર્ટનો પ્રથમ ઝરમરિયા વરસાદમાં જ ભાંડાફોડ થયો છે. રાત્રે સોજિત્રાનગર…

4 રાજકોટ મહાનગરપાલિકામાં પ્રિ-મોન્સુન કામગીરીમાં વોટર વકર્સ શાખા હસ્તક માત્ર કાગળ પર જ ‘સબ સલામત’ના રિપોર્ટનો પ્રથમ ઝરમરિયા વરસાદમાં જ ભાંડાફોડ થયો છે. રાત્રે સોજિત્રાનગર ઇએસઆર-જીએસઆરમાં વાલ્વમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાતા આજે સવારથી વોર્ડ નં.2ના સમગ્ર વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ થઇ ગયુ છે. છેલ્લા બે દિવસથી પડતા હળવાથી ભારે ઝાપટામાં મનપાના અનેક પ્રિ-મોન્સુન કામગીરીના ભાંડાફોડ થઇ રહ્યા છે. માત્ર કાગળ પર જ કામગીરી દેખાડવા માટે થતી કામગીરીમાં વોટર વકર્સ શાખાની લોલંલોલ બહાર આવી છે.

ગત રાત્રે સોજિત્રાનગર ઇએસઆર-જીએસઆર પ્લાન્ટમાં સર્જાયેલી ટેકનિકલ ક્ષતિના કારણે આજે સવારથી વોર્ડ નં.2ના સમગ્ર વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ થઇ ગયુ હતુ. આ અંગે મનપાના વોટર વકર્સ શાખાના સિટી ઇજનેરનો સંપર્ક કરવામા આવતા તેમણે જણાવ્યુ હતુ કે, વાલ્વ બગડી જવાથી પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાયો છે. પીજીવીસીએલના ટેકનિકલ સ્ટાફને પણ કામે લગાડવામા આવ્યો છે.

જે વિસ્તારમાં પાણી વિતરણ ડખ્ખે ચડયુ છે તેમા એરપોર્ટ રોડ પરની સોસાયટીઓ, રામેશ્વર ચોક, ચંદ્રનગર, નવયુગ, ગીતગુર્જરી, ચુડાસમા પ્લોટ, છોટુનગર સહિતના વિસ્તારોમાં સવાર નિર્ધારિત સમયે પાણી ન આવતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો. ફોલ્ટ રિપેર કરવામા ખાસો એવો સમય વિતી જતા 11 વાગ્યા સુધીમાં પણ પાણી વિતરણની ગાડી પાટે ચડી ન હતી. વોર્ડ નં.2માં સમયપત્રક ખોરંભાતા આગળના વોર્ડમાં પણ પાણી વિતરણ ડખ્ખે ચડે તેવી શકયતા છે.