રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં, માલિયાસણ ગામને પાણી પૂરું પાડતી પાઇપ લાઇનમાંથી બે ગેરકાયદેસર પાણીના જોડાણો ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટના અંગે રૂૂડા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ’બલ્ક વોટર સપ્લાય સ્કીમ’ અંતર્ગત કુલ 22 ગામોમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેમાં માલિયાસણ ગામનો પણ સમાવેશ થાય છે. આ ગામને પાણી પૂરું પાડતી પાઇપ લાઇન અમદાવાદ બાયપાસ રોડ પર આવેલા રૂૂડાના સંપમાંથી માલિયાસણ ગામના સંપ સુધી બિછાવવામાં આવેલી છે.
ગામના પાણીના પુરવઠાને લઈને માલિયાસણ ગ્રામ પંચાયત દ્વારા મળેલી રજૂઆતના આધારે, રૂૂડાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે તા. 10-06-2026 ના રોજ સ્થળ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પાઇપ લાઇનમાંથી બે ગેરકાયદેસર પાણીના જોડાણ લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.
તપાસમાં સામે આવ્યું કે, વાઘજીભાઈ બોરડ નામના ઇસમ દ્વારા આ બંને ગેરકાયદેસર જોડાણો તેમની વાડીમાં લેવામાં આવ્યા હતા. સરકારી સંપત્તિનો આ પ્રકારનો ગેરઉપયોગ અને પાણીની ચોરીનો ગંભીર મામલો ધ્યાને આવતા, રૂૂડાના અધિકારીઓએ તાત્કાલિક અસરથી આ જોડાણો કાપી નાખ્યા હતા.
સત્તામંડળ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઈને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. વધુમાં, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પાણીની ચોરી કરવા બદલ, પ્રવર્તમાન નિયમો અને ધારાધોરણો મુજબ દંડ વસૂલવાની કાયદેસરની કાર્યવાહી પણ સત્તાધિશો દ્વારા હાથ ધરવામાં આવી છે.
