રાવલ ડેમના પાણી છોડાતા ઉનાના અનેક ગામોમાં કમરડૂબ પાણી

સનખડા, ખત્રીવાડા, મોઠા સહિતના ગામોમાં પૂર જેવી સ્થિતિ, 100થી વધુ લોકોનું સ્થળાંતર, માલ-મિલકતને ભારે નુકસાન ગીર વિસ્તારમાં સતત બે દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદને પગલે…

સનખડા, ખત્રીવાડા, મોઠા સહિતના ગામોમાં પૂર જેવી સ્થિતિ, 100થી વધુ લોકોનું સ્થળાંતર, માલ-મિલકતને ભારે નુકસાન

ગીર વિસ્તારમાં સતત બે દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદને પગલે રાવલ ડેમમાં પાણીની ભારે આવક નોંધાતા સિંચાઈ વિભાગે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા રાવલ નદી કાંઠે આવેલા સનખડા, ખત્રીવાડા, ગાંગડા, મોઠા સહિતના ગામોમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. અનેક ગામોના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાંલોકોનાજનજીવન પર ગંભીર અસર પહોંચી હતી.

સૌથી વધુ અસર સનખડા ગામમાં જોવા મળી હતી, જ્યાં ગામના ક્ધયા શાળા પાછળના પ્લોટ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં 50થી વધુ મકાનોમાં પાણી ઘૂસી જતાં પરિવારોની વર્ષોની મહેનત પાણીમાં ધોવાઈ ગઈ હતી. ઘરોમાં રાખેલું અનાજ, કપડાં, ફર્નિચર, ઇલેક્ટ્રિક સાધનો અને અન્ય ઘરવખરી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી. કેટલાક કાચા મકાનોની દીવાલો ધરાશાયી થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

પૂરના કારણે સનખડા અને ખત્રીવાડા ગામ ચારેય બાજુથી પાણીમાં ઘેરાઈ જતાં બંને ગામો ટાપુમાં ફેરવાઈ ગયા હતા. ગામને જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. જેના કારણે વહીવટી તંત્ર અને બચાવ ટીમોને પણ અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

NDRF, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે ઊંડા પાણી અને માર્ગો બંધ હોવાથી છેવાડાના વિસ્તારો સુધી પહોંચવામાં વિલંબ થયો હતો. રાત્રિ દરમિયાન આશરે 100 જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે દેવીપૂજક વિસ્તારના આશરે 30 લોકોને ક્ધયા શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

સનખડાના સ્થાનિક પ્રભુ સોલંકીએ જણાવ્યું હતું કે, ડેમમાંથી પાણી છોડાતાં જ થોડી જ વારમાં અમારા ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. ઘરમાં રાખેલું અનાજ, ઘરવખરી, કપડાં અને જરૂૂરી તમામ સામાન પાણીમાં પલળી ગયો છે. આખી રાત અમે પરિવાર સાથે શાળા માં આશરો લીધો હતો. આજે અમારી પાસે પહેરેલા કપડાં સિવાય કશું બચ્યું નથી.હજુસુધીકોઈઅસરકારક મદદ મળી નથી.

ખત્રીવાડાના સરપંચ જિતેન્દ્ર શિયાળે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં ગામની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. ચારેય બાજુ પાણી ફરી વળતાં તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. લોકો પોતાના સગા-સંબંધીઓના ઊંચાણવાળા મકાનોમાં આશરો લેવા મજબૂર બન્યા હતા. વીજળીના થાંભલા પડી જતાં છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે. હાલ PGVCLની ટીમો વીજ વ્યવસ્થા પુન:સ્થાપિત કરવા કામગીરી કરી રહી છે. પૂરના કારણે આયુષ્યમાન આરોગ્ય મંદિર, ગ્રામ પંચાયત કચેરી સહિત અનેક સરકારી અને ખાનગી મિલકતોમાં પણ પાણી ઘૂસી જતાં નુકસાન થયું છે. અનેક ખેતરોમાં નદીની રેતી ફરી વળી હતી, જ્યારે પશુઓ માટેનો ચારો અને લીલું ઘાસ પણ ધોવાઈ ગયું હતું.

ઉના ના મોઠા ગામ મા 14 વર્ષ બાદ પૂર નું પાણી ઘૂસ્યું હતું ગામના રસ્તાઓ અને ખેતરોને નુકસાન પહોંચ્યું હોવા છતાં ખેડૂતો ડેમ ભરાવાથી આગામી ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. હાલ પણ મોઠા સનખડા, ખત્રીવાડા અને આસપાસ ના કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી સંપૂર્ણપણેઓસર્યા નથી. અસરગ્રસ્ત પરિવારો સરકાર પાસે તાત્કાલિક નુકસાનનો સર્વે, રાહત સામગ્રી, આર્થિક સહાય અને પુનર્વસનની માંગ કરી રહ્યા છે. ગામલોકોનું કહેવું છે કે પાણી તો ઓસરી જશે, પરંતુ પૂરે પહોંચાડેલું નુકસાન ભરપાઈ કરતાં લાંબો સમય લાગશે.