વોર્ડ નં.8 અને 13ના બન્ને વિસ્તારમાંથી પાઇપલાઇન દ્વારા વિતરણ થતા પાણીના લેવાયેલા સેમ્પલ ફેઇલ
રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ અજગરભરડો લીધો હોવાનો મનપાની જ આરોગ્ય શાખાના સતાવાર પખવાડિક રિપોર્ટમાં દર્શાવાયુ છે. ઝાડા-ઉલ્ટી, મરડાના કેસ વધ્યા છે. ત્યારે અત્યંત ચોંકાવનારી એક સતાવાર હકિકત એ પણ સામે આવી છે કે, મનપા દ્વારા પાઇપલાઇન દ્વારા ચાલતી પાણી વિતરણ વ્યવસ્થામાં શહેરના વધુ બે વિસ્તારમાં ભયજનક કહી શકાય તેવા બેકટરિયા પાઇપલાઇનમાં ભળ્યા છે. વોર્ડ નં.8માં આવેલી રામધામ સોસાયટી-1 અને વોર્ડ નં.13માં આવેલા શ્રધ્ધા ડી-માર્ટ પાછળના વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા વિતરણ થતા પાણીમાં આરોગ્ય જોખમાય તેવા ઘાતક બેકટેરિયા મળી આવ્યા છે. પાણીના સેમ્પલ લેબોરેટરીમાં ફેઇલ થયા છે. ક્લોરીનેશન પણ યોગ્ય માત્રામાં થતુ ન હોવાનો રિપોર્ટ આવ્યો છે. સ્માર્ટ સિટીના બોર્ડ ઝૂલાવતા રાજકોટ મહાનગર પાલિકાના શાસકો અને તંત્રવાહકોની નાકામી હવે સીધી નાગરિકોના આરોગ્ય અને જિંદગી સાથે ખેલ કરી રહી છે.
આમતો ઉનાળાના આખરી દિવસોથી જ નગરજનો જે ભયંકર દૂષિત અને વાસ મારતા પાણીની ફરિયાદો કરી રહ્યા હતા, તે ચોમાસાના આરંભ સાથે જ અત્યંત ગંભીર અને જીવલેણ સ્વરૂૂપ ધારણ કરી ચૂકી છે. અગાઉ મોરબી રોડ સહિતના અનેક વિસ્તારોમાં જ્યારે જનતા રોડ પર ઉતરી આવી હતી, પ્રદર્શનો કર્યા હતા અને તંત્રના બહેરા કાન સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આળસુ વહીવટી તંત્ર ઊંઘતું રહ્યું હતું. હવે જ્યારે સ્થિતિ હાથબહાર નીકળી ગઈ છે અને રોગચાળો ફાટી નીકળવાની અણી પર છે. ચોમાસુ શરૂૂ થયા બાદ ઝાડા-ઉલ્ટીના રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે. ખુદ મેયર ડો. નેહલ શુકલે પત્રકાર પરિષદમાં સ્વીકાર્યું હતુ કે “હા, શહેરના લાખો લોકોને દૂષિત પાણી મળી રહ્યું છે!”
પાછલા કેટલાક દિવસો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી મનપાના જ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા પીવાના પાણીના સેમ્પલો મોટા પ્રમાણમાં ફેલ આવ્યા છે. આ આંકડા પુરવાર કરે છે કે રાજકોટવાસીઓના ઘરોમાં નળ વાટે પાણી નહીં પરંતુ ધીમું ઝેર સપ્લાય થઈ રહ્યું છે. શહેરના વધુ બે વિસ્તારમાં પાઇપલાઇન દ્વારા આવતુ પાણી જોખમી હોવાનું ઓનપેપર સાબિત થયુ છે. શહેરના વોર્ડ નં.8માં આવેલી રામધામ સોસાયટી-1 તેમજ વોર્ડ નં.13માં આવેલા શ્રધ્ધા ડી-માર્ટની પાછળ આવેલા વિસ્તારમાં દુષિત પાણી આવતુ હોવાની વ્યાપક ફરિયાદો પરથી મનપાની આરોગ્ય શાખાએ પાણીના સેમ્પલ લીધા હતા.
આ બન્ને સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ આવ્યા છે. પાઇપલાઇન દ્વારા વિતરણ થતા પાણીમાં ઘાતક બેકટેરિયા દેખાયા છે. પાણીનું યોગ્ય માત્રામાં ક્લોરીનેશન પણ થયેલુ ન હતુ. પાણીના સેમ્પલ ફેઇલ થતા મનપાની ડ્રેનેજ અને વોટર વકર્સ શાખા પાઇપલાઇનમાં કયાંક લીકેજ હોવાની આશંકાએ લાઇન ચેક કરવાની કામગીરી હાથ ધરી છે.
