જામનગર ભાજપમાં વખાર રાજકારણ ગરમાયું: વફાદાર કાર્યકરો સાઇડલાઇન, નવા ચહેરાઓને પ્રાથમિકતા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં શહેર ભાજપમાં ક્યાંક આંતરિક અસંતોષ જોવા મળ્યો છે. ટિકિટ વિતરણમાં કરાયેલા મોટા પાયે ફેરફારોને કારણે વખાર શબ્દ હવે શહેર ભાજપની અંદર…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં શહેર ભાજપમાં ક્યાંક આંતરિક અસંતોષ જોવા મળ્યો છે. ટિકિટ વિતરણમાં કરાયેલા મોટા પાયે ફેરફારોને કારણે વખાર શબ્દ હવે શહેર ભાજપની અંદર જોરદાર રાજકીય સંકેત બની ગયો છે, અને તે પ્રકારે કટાક્ષ માં રમૂજ પેદા કરવામાં આવી રહી છે.

પાર્ટી દ્વારા આ વખતે જૂના, વફાદાર અને વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા વરિષ્ઠ કાર્યકરોને એકતરફ રાખીને મોટા પાયે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. જેના કારણે ઘણા કાર્યકરોમાં એવી લાગણી વ્યાપી રહી છે કે તેમને વખારમાં મૂકી દેવાયા છે એટલે કે રાજકીય રીતે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે.

માહિતી મુજબ, પાર્ટીએ માત્ર વયસ્ક કાર્યકરોને જ નહીં, પરંતુ સરકાર કે સંગઠન સાથે જોડાયેલા કાર્યકરોના પરિવારજનોને પણ ટિકિટથી દૂર રાખ્યા છે. પરિણામે, પાર્ટીના અંદર વર્ષોથી મહેનત કરનારા ઘણા કાર્યકરોમાં ક્યાંક છાના ખૂણે નારાજગી દેખાઈ રહી છે. પરંતુ વોર્ડ નંબર 4 ને બાદ કરતાં જાહેરમાં બળવો વગેરે જોવા મળ્યો નથી.

જોકે આંકડાઓ વધુ ચોંકાવનારા છે. ગત ચૂંટણીમાં ભાજપના 50 ઉમેદવારોમાંથી આ વખતે 36 ઉમેદવારોને બદલી નાખવામાં આવ્યા છે, જ્યારે 16 બેઠકો પર અન્ય પક્ષમાંથી જીતેલા ઉમેદવારો અને ભાજપના 16 હારેલા ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી નથી. તેમની જગ્યાએ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આટલા મોટા પ્રમાણમાં થયેલા ફેરફારોને કારણે પાર્ટીમાં આંતરિક થોડા અંશે અસંતોષની ચર્ચાઓ તેજ બની છે. ટિકિટ મેળવવા માટેની 500 80 થી વધુ કાર્ય કરવાની હતી ત્યારે 64 બેઠકોની ફાળવણી પછી ટિકિટ માંગ ના કાર્યકર્તાઓ પ્રચાર કાર્યવાહી અલિપ્ત થઈ ગયેલા જોવા મળે છે જે થોડે અંશે નારાજગીનો સંકેત આપે છે. જોકે કેટલાક પાયાના કાર્યકરો પોતાની નારાજગી દબાવીને ચૂંટણી પ્રચાર કાર્યમાં જોડાઈ ગયેલા પણ જોવા મળે છે.

રાજકીય નિરીક્ષકોના મતે, ભાજપનો આ નિર્ણય જનરેશન શિફ્ટ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જમીન પર વાસ્તવિકતા એ છે કે જૂના અને પાયાના કાર્યકરોને પ્રાથમિકતામાંથી દૂર રાખવામાં આવ્યા છે. જેના કારણે ચૂંટણી પહેલાં જ આંતરિક ગૃપબાજી અને નિષ્ક્રિયતા જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા નકારી શકાય નહીં.

હાલ શહેર ભાજપમાં વખાર રાજકારણ શબ્દ માત્ર ચર્ચા નથી, પરંતુ એક પ્રકારની અસંતોષની લાગણીનું પ્રતિબિંબ અને રમૂજ નો શબ્દ બની રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે આ આંતરિક અસંતોષ ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પાડે છે, કે જામનગરના મતદારો સતત 7મી વખત ભાજપને સત્તાનું સુકાન સોંપે છે, તે જોવાનું રહેશે. જોકે હાલ તો તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.