આંતર જિલ્લા ‘ગેડિયા ગેંગ’નો 4 વર્ષથી વોન્ટેડ સાગરીત ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાઓમાં લૂંટ, ધાડ, પોલીસ પર હુમલો, ચોરી અને ફાયરિંગ જેવા 50થી વધુ ગંભીર ગુનાઓ આચરી આતંક મચાવનાર આંતર-જિલ્લા ‘ગેડીયા ગેંગ’ના સાગરીત અને ગુજસીટોક ના…

સુરેન્દ્રનગર જિલ્લાઓમાં લૂંટ, ધાડ, પોલીસ પર હુમલો, ચોરી અને ફાયરિંગ જેવા 50થી વધુ ગંભીર ગુનાઓ આચરી આતંક મચાવનાર આંતર-જિલ્લા ‘ગેડીયા ગેંગ’ના સાગરીત અને ગુજસીટોક ના ગુનામાં પેરોલ જમ્પ કરી છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા ઇનામી આરોપી અલી નથુ ડફેરને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના ચાર જિલ્લાઓમાં વિવિધ ગુનાઓ આચરીને નાસતા-ફરતા 29 જેટલા મુખ્ય આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

આ આરોપીઓને ઝડપી લેવા માટે આપવામાં આવેલી સૂચનાઓના આધારે રાજકોટ રેન્જની ટીમના પી.આઈ એ.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ કાર્યરત કરવામાં આવી હતી. દરમિયાન સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ગેડીયા ગામનો વતની અલી નથુભાઈ લાડક ડફેર વર્ષ 2020માં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુના હેઠળ જેલમાં હતો. તા. 28/10/2022ના રોજ પેરોલ રજા મેળવ્યા બાદ તે જેલમાં હાજર થયો ન હતો. તે છેલ્લા ચાર વર્ષથી પોતાની ઓળખ છુપાવી, જંગલ, વાડી અને સીમ વિસ્તારોમાં અવારનવાર પોતાના રહેઠાણ બદલીને પોલીસ ધરપકડથી બચતો ફરતો હતો.

પોલીસથી ભાગતા ફરતી વખતે પણ આ રીઢા ગુનેગારે પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. પેરોલ જમ્પના સમયગાળા દરમિયાન તેણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, સીટી બી ડિવાઇઝન અને નળસરોવર વિસ્તારમાં 4 ગુના તેમજ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ગુના મળી કુલ 6 નવા ગુનાઓ આચર્યા હતા.

રાજકોટ રેન્જની ટીમના પી.એસ.આઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા, એ.વાય. ઉધાસ, પી.સી. સરતેજા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ માહિતી મેળવી હતી. આ ચોક્કસ બાતમીના આધારે ટીમે ગોબર તળાવની પાળ પાસેથી અલી નથુ ડફેરની ધરપકડ કરી હતી, ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પાટડી, વઢવાણ, બજાણા, લીંબડી, જોરાવરનગર, લખતર, ધ્રાંગધ્રા, હળવદ, મહેસાણા, બગોદરા અને ધંધુકા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, ધાડ અને હથિયાર ધારા હેઠળ 55થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.

રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.પટેલ, પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા પી.સી.સરતેજા તેમજ યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઇ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, રાજુભાઇ પઢેરીયા, કુલદિપસિંહ ચુડાસમા, વકારભાઇ અરબ, દિવ્યેશભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા, રવીરાજસિંહ વાળા, ભોજાભાઇ ત્રમટા, સંદિપસિંહ ઝાલા, વનરાજભાઇ મકવાણા, વિપુલભાઇ મોરી, પરેશભાઇ સાંજવા, કાસમભાઇ બ્લોચ, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી તથા ટેકનીકલ ટીમના બળદેવસિંહ સોલંકી, નરેન્દ્રસિહ રાઠોડ, બલદેવસીંઘ મનજીતસીંઘ, આશાબેન પટેલે કામગીરી કરી હતી.