ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની આધ્યાત્મિક શ્રદ્ધા માટે અવારનવાર ચર્ચામાં રહે છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો કરીને ભારતમાં પગ મૂકતાની સાથે જ આ સ્ટાર કપલ કોઈ ભવ્ય કાર્યક્રમમાં જવાને બદલે સીધા વૃંદાવન ધામ પહોંચ્યું હતું. આગામી ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે બંનેએ સંત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજ અને તેમના ગુરુદેવ ગૌરાંગી શરણજીના આશીર્વાદ લીધા હતા.
બુધવારની વહેલી સવારે વિરાટ અને અનુષ્કા યમુના પાર આવેલા બેલવન સ્થિત યમુના વિહાર કુંજ આશ્રમે પહોંચ્યા હતા. ચોમાસાના કારણે આશ્રમ બહાર પાણી અને કાદવનું સામ્રાજ્ય હતું. આમ છતાં, કોઈપણ ઝંઝટ વિના વિરાટ અને અનુષ્કા પોતાની કારમાંથી ઊતરીને કાદવમાંથી જ ઉઘાડા પગે ચાલતા આશ્રમમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીના કપાળ પર મસ્ત તિલક અને ગળામાં તુલસીની કંઠી સ્પષ્ટ જોઈ શકાતી હતી. બંને સંપૂર્ણપણે ભક્તિભાવમાં ડૂબેલા જોવા મળ્યા હતા.
સુપ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજ પાસે લગભગ એક કલાક જેટલો સમય વિતાવ્યા બાદ, વિરાટ અને અનુષ્કા બારાહઘાટ સ્થિત સંત ગૌરાંગી શરણ મહારાજના આશ્રમે પહોંચ્યા હતા. ત્યાં પણ તેમણે ગુરુ પૂજન કર્યું અને આશીર્વાદ મેળવ્યા હતા. વૃંદાવનમાં લગભગ ત્રણ કલાક રોકાયા બાદ બંને પોતાના આગળના ગંતવ્ય સ્થાન તરફ રવાના થયા હતા.
