2027નો ODI વર્લ્ડ કપ રમવાનો નિર્ણય વિરાટ-રોહિત કરશે

ODI વર્લ્ડ કપ 2027 માં યોજાવાનો છે. આ મોટી ટુર્નામેન્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની ભાગીદારી અંગે સતત સસ્પેન્સ રહ્યું છે. વિરાટ અને રોહિતે લગભગ…

ODI વર્લ્ડ કપ 2027 માં યોજાવાનો છે. આ મોટી ટુર્નામેન્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની ભાગીદારી અંગે સતત સસ્પેન્સ રહ્યું છે. વિરાટ અને રોહિતે લગભગ દરેક સિરીઝમાં સારું પ્રદર્શન કરીને પોતાનું સ્થાન સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની સિરીઝમાં નિરાશાજનક પ્રદર્શન બાદ, રોહિત અને વિરાટના સ્થાન અંગે ફરી પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે BCCI ના એક અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે આ બંને મહાન ખેલાડીઓ ચોક્કસપણે વર્લ્ડ કપમાં રમશે.

ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની ODI સિરીઝમાં, રોહિત શર્માએ ચાર ઇનિંગ્સમાં ફક્ત 30 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 86 રન બનાવ્યા હતા. બંને ખેલાડીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જોકે, દૈનિક જાગરણના એક અહેવાલ અનુસાર, BCCI અધિકારીઓને રોહિત શર્મા અને વિરાટ કોહલી પર વિશ્વાસ છે. જો રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો ODI વર્લ્ડ કપ રમવા માંગે છે અને તેમને ફિટનેસની કોઈ સમસ્યા નથી, તો તેઓ ચોક્કસપણે આ મોટી ટુર્નામેન્ટ રમવા માટે દક્ષિણ આફ્રિકા જશે.

BCCI ના એક અધિકારીએ જણાવ્યું છે કે ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિઓમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી બેટ્સમેનોની જરૂૂર છે. તેમના વિના ટીમ ઈન્ડિયા માટે જીત મુશ્કેલ બનશે. BCCI ના એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ બંને અનુભવી છે. તેઓ નક્કી કરશે કે તેઓ કેટલો સમય ક્રિકેટ રમશે. વર્લ્ડ કપ અભિયાનની વાત કરીએ તો, મને લાગે છે કે 2027માં આપણને તેમની જરૂૂર પડશે. તેઓ દક્ષિણ આફ્રિકાની મુશ્કેલ પિચો પર નિર્ણાયક સાબિત થશે. તેમનો અનુભવ ઉપયોગી થશે.
અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અજિત અગરકરની અચાનક વિદાય બાદ ટીમ મેનેજમેન્ટનો કોઈપણ સભ્ય જોખમ લેવા ઇચ્છતો નથી.

એક સૂત્રએ દાવો કર્યો છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય સાથે જોડાયેલો નિર્ણય હવે પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટના હાથમાં રહ્યો નથી. સૂત્રએ જણાવ્યું, ‘અમે BCCI ને જે સંદેશ આપવાનો હતો, તે અગાઉ જ આપી દીધો હતો. BCCI તરફથી અમને જે સંદેશ મળવાનો હતો, તે પણ મળી ચૂક્યો છે. અમને નથી લાગતું કે હવે આ મામલો પસંદગીકારો કે ટીમ મેનેજમેન્ટના હાથમાં છે.’

આ તમામ અહેવાલો પરથી રોહિત શર્મા અને વિરાટ કોહલીના 2027ના વનડે વર્લ્ડ કપમાં રમવાની શક્યતાઓ અંગે ચર્ચા તેજ બની છે. જોકે, બંને ખેલાડીઓની ભાગીદારી અંગે અંતિમ નિર્ણય તેમની ઇચ્છા, ફિટનેસ અને ભવિષ્યના પ્રદર્શન પર નિર્ભર રહેશે.