ગુજરાત

વિનેશ ફોગાટનો ફિયાસ્કો, મેડિકલ ટીમ દોષિત

Published

on

પેરિસ ઓલિમ્પિક્સમાં 50 કિલો ફ્રીસ્ટાઈલ કુશ્તીની ફાઈનલમાં પહોંચેલી કુશ્તીબાજ વિનેશ ફોગટ માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાના કારણે ગેરલાયક ઠરી તેના કારણે આખો દેશ આઘાતમાં સ્તબ્ધ છે. વિનેશે શાનદાર રમત બતાવીને એક જ દિવસમાં ત્રણ મેચ જીતીને ભારતનો સિલ્વર મેડલ તો પાકો કરી જ લીધેલો પણ ફાઈનલમાં જીતીને ભારતને કુશ્તીમાં પહેલો ગોલ્ડ મેડલ જીતાડવાની આશા પણ ઊભી કરી દીધેલી. વિનેશ ગેરલાયક ઠરી પછી જાત જાતની વાતો વહેતી થઈ છે. વિનેશ ફોગાટે ભારતીય કુશ્તી ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ એવા ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુશ્તીબાજ છોકરીઓના જાતિય શોષણના મામલે બાંયો ચડાવી દીધી હતી તેથી વિનેશને ગોલ્ડ મેડલ ના જીતવા દેવાઈ એવી વાતો પણ ચાલી રહી છે.

કોંગ્રેસ સહિતના વિપક્ષોએ સંસદમાં વિનેશ ગેરલાયક ઠરી તેનો મુદ્દો ઉઠાવ્યો અને હોહા કરી મૂકી. કોંગ્રેસે સંસદની બહાર પણ આ મુદ્દો ચગાવ્યો છે. કોંગ્રેસના મહામંત્રી રણદીપ સૂરજેવાલાએ કેન્દ્ર સરકાર સામે આકરા સવાલ કરીને પૂછ્યું છે કે, વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી એ મુદ્દે ભારત સરકાર ચૂપ કેમ છે? આ મામલે ભારતીય ઓલિમ્પિક સંઘે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘ સાથે વાત કરવી જોઇએ કેમ કે આ મેડલ માત્ર વિનેશ ફોગાટનો નહીં પરંતુ દેશનો છે. વિનેશ ફોગાટનો મેડલ છિનવાયો તેની પાછળ રાજકારણ કે કાવતરું હોવાની વાતો થાય છે પણ એવી શક્યતા ઓછી છે. અલબત્ત ઓલિમ્પિક ટીમ સાથે પેરિસ ગયેલી મેડિકલ ટીમની જવાબદારી પૂરેપૂરી છે અને તેમની સામે પગલાં લેવાવાં જોઈએ. ભાજપના નેતા અને ભૂતપૂર્વ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર વિજેન્દરસિંહે અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ પણ વિનેશ ફોગાટના ડિસક્વોલિફિકેશનને કાવતરું ગણાવ્યું છે. અલબત્ત 2008માં બીજિંગ ઓલિમ્પિકમાં બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનારા વિજેન્દરસિંહે મુદ્દા ઉઠાવ્યા છે એ વ્યાજબી છે.

વિજેન્દરના દાવા પ્રમાણે, વેઈટ લિફ્ટર્સ, બોક્સર અને કુશ્તીબાજો એક જ રાતમાં 5-6 કિલોગ્રામ વજન ઘટાડી દેતાં હોય છે પણ વિનેશ ફોગટ એક કિલો વજન ના ઉતારી શકી એ આશ્ચર્યની વાત છે. વિનેશનું વજન 900 ગ્રામ ઘટી ગયું અને 100 ગ્રામ માટે વિનેશ ડિસક્વોલિફાય થઈ ગઈ. વિજેન્દરના કહેવા પ્રમાણે, કુસ્તીબાજો અને બોક્સરોને ભૂખ્યા-તરસ્યા રહીને કઈ રીતે વજન ઓછું કરવું તેની ખબર હોય છે. ભૂખ અને તરસ પર કંઈ રીતે કાબૂ મેળવવો તેની ટ્રેઈનિંગ અપાઈ હોય છે ને તેના આધારે રાતોરાત 5-6 કિલો વજન ઘટાડી દેવાય છે. આ રસ્તા ખબર જ હોવા છતાં એ કેમ વજન ના ઉતારી શકી એ પણ સવાલ છે. આ મેડિકલ ટીમની ઘોર નિષ્ફળતા કહેવાય ને એ માટે તેની સામે પગલાં લેવાવાં જોઈએ.


બીજું એ પણ છે કે, વિનેશની સેમિ ફાઈનલ મેચ પછી 1.5 કિલો વજન વધશે એવી ગણતરી મેડિકલ ટીમે મૂકી હતી. તેના બદલે 2.7 કિલો વજન વધી ગયું. મતલબ કે, ગણતરી કરનારાંને કંઈ ખબર જ નહોતી. આવા લોકો ટીમ સાથે કઈ રીતે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં પહોંચી ગયા તેની પણ તપાસ થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version