નંબર પ્લેટ વિના કારમાં પેટ્રોલ ભરવાનો વીડિયો વાઇરલ, ચાલક અને ફિલરમેન સામે પ્રથમ ગુનો નોંધાયો

શહેરમાં નંબર પ્લેટ વગરના અને નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવા વાહનોને ઇંધણ નહિ આપવાના પોલીસ કમિશ્નરના જાહેરનામાંનો કડક અમલ કરવા સૂચનાઓ હોવા…

શહેરમાં નંબર પ્લેટ વગરના અને નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવા વાહનોને ઇંધણ નહિ આપવાના પોલીસ કમિશ્નરના જાહેરનામાંનો કડક અમલ કરવા સૂચનાઓ હોવા છતાં, શહેરના ઢેબર રોડ પર આવેલા ભાડલાવાળા પેટ્રોલ પંપ ખાતે ઈંઘણ પુરાવ્યા બાદ નંબર પ્લેટ કાઢી નાખ્યાનો એક વિડીયો વાયરલ થયા બાદ, આ ઘટના ધ્યાન પર આવતા જ ભક્તિનગર પોલીસે તાત્કાલિક તપાસ શરૂૂ કરી જાહેરનામાના ભંગ બદલ કાર ચાલક અને પેટ્રોલ પંપના કર્મચારી સામે આ પ્રકારનો પ્રથમ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે વાયરલ વીડિયોની સત્યતા તપાસવા માટે સંબંધિત પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સની મદદ લીધી હતી. આ કાળજીપૂર્વકની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કાળા રંગની નંબર વગરની કેટા કારનો ચાલક ઈંધણ પુરાવીને ત્યાંથી રવાના થઈ ગયો હતો. સીસીટીવી અને ટેકનિકલ વિગતોના આધારે ભક્તિનગર પોલીસે કાર ચાલક જયભાણ ઉદયભાણ ગઢવી તથા ઇંધણ પૂરનાર પંપના કર્મચારી પંકજસિંહ કનૈયાસિંહ (રહે. રાણીમા રૂૂડીમા ચોક, આર.એમ.સી. ક્વાર્ટર)ની ઓળખ કરી બન્નેની અટકાયત કરી હતી.

ભક્તિનગર પોલીસે ઘટનામાં સામેલ કાળા રંગની નંબર વગરની કેટા કારને જપ્ત કરી લીધી છે અને બંને વિરુદ્ધ જાહેરનામાના ભંગ અંગેનો કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે નંબર પ્લેટ વગરના વાહનોમાં ઈંધણ પૂરવા પર સ્પષ્ટ બંધી લાદવામાં આવી છે. પોલીસની આ ઝડપી અને આકરી કાર્યવાહીથી જાહેરનામાનો અનાદર કરનારા તત્વો તેમજ પંપ સંચાલકોમાં ફાળ પડી છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરના તમામ પોલીસ મથકના પી.આઈને જાહેરનામાંનો કડક અમલ થાય તે માટે સ્પષ્ટ સુચના આપી પેટ્રોલ પંપ ખાતે ચેકિંગ કરવા આદેશ આપ્યા છે.