ક્રાઇમ

વાપીના આસિ. પી.એફ.કમિશનર અને સુપ્રભાત રંજન પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ

Published

on

વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખના લાંચ કેસમાં પકડ્યા છે. કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર (વર્ગ 1) અને સુપ્રભાત રંજન તોમર (વર્ગ 2)ની લાંચ કેસમાં ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પી.એફ. કપાવવાની કાર્યવાહી કરી ન હતી. આથી પી.એફ. કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. સમગ્ર મામલે વાપી પી.એફ. કચેરી ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા હર્ષદ લખુજીભાઈ પરમાર અને સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમરે ભેગા મળીને 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

બિલ્ડર લાંચની રકમ આપવા માગતા નહિ હોવાથી તેમને ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. આજરોજ એસીબીની ટીમે વાપી સ્નેહદીપ કોમ્પલેક્ષ ખાતે આવેલી આસિ. પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી. આસિ. પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે 5 લાખની લાંચ સ્વીકારી હતી. દરમિયાનમાં એસીબી ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી.

ટ્રેપ કરવામાં એસીબી પીઆઈ જે. આર. ગામીત અને તેમની ટીમ સામેલ હતી. જ્યારે સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક સુરત આર. આર. ચૌધરી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version