લખનઉ સામે વૈભવની ઝંઝાવાતી બેટિંગ, રાજસ્થાનની પ્લેઓફની આશા જીવંત

38 બોલમાં 10 છગ્ગા સાથે 93 રન ફટકાર્યા, માર્શ અને વૈભવ નર્વસ નાઇન્ટીનો શિકાર યુવાન અને રાતોરાત લોકપ્રિયતાના શિખર સર કરનારા ડાબેરી બેટર વૈભવ સૂર્યવંશીએ…

38 બોલમાં 10 છગ્ગા સાથે 93 રન ફટકાર્યા, માર્શ અને વૈભવ નર્વસ નાઇન્ટીનો શિકાર

યુવાન અને રાતોરાત લોકપ્રિયતાના શિખર સર કરનારા ડાબેરી બેટર વૈભવ સૂર્યવંશીએ પોતાની ઝંઝાવાતી બેટિંગ ગઇકાલે પણ જારી રાખતાં રાજસ્થાન રોયલ્સે અહીં રમાયેલી આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની મહત્વની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે સાત વિકેટથી શાનદાર વિજય હાંસલ કરીને ટુર્નામેન્ટના પ્લે ઓફના પ્રવેશની આશા જીવંત રાખી હતી.

વૈભવે માત્ર 38 બોલમાં દસ સિક્સર સાથે 93 રન ફટકારીને ટીમની સફળતામાં મોટું યોગદાન આપ્યું હતું. આ વિજય સાથે રાજસ્થાનની ટીમ પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે પહોંચી ગઈ હતી. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ આપ્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં પાંચ વિકેટે 220 રનનો નોંધપાત્ર સ્કોર રજૂ કર્યો હતો જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.1 ઓવરમાં ત્રણ વિકેટે 225 રન કરી લીધા હતા. આ મેચમાં બંને ટીમનો એક એક બેટર નર્વસ નાઇન્ટી (માર્શ અને વૈભવ) આઉટ થયા હતા. જે આઇપીએલના ઇતિહાસમાં બીજો પ્રસંગ છે. અગાઉ 2013માં ચેન્નાઈ-કોલકાતા મેચમાં આમ બન્યું હતું.

221 રનના ટારગેટ સામે રમતાં રોયલ્સ માટે આ મેચના કેપ્ટન યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ આક્રમક પ્રારંભ કર્યો હતો. બંનેએ સાતમી ઓવર સુધીમાં 75 રન ઉમેર્યા ત્યારે જયસ્વાલ 23 બોલમાં 43 રન ફટકારીને આઉટ થઈ ગયો હતો. વૈભવે આ તબક્કેથી આક્રમક બેટિંગ શરૂૂ કરી હતી. તેણે 14મી ઓવરના છેલ્લા બોલે આઉટ થતાં અગાઉ 38 બોલમાં દસ સિક્સર અને સાત ચોગ્ગા સાથે 93 રન ફટકાર્યા હતા. ધ્રુવ જુરેલે અણનમ 53 રનનું યોગદાન આપ્યું હતું. અગાઉ લખનૌ સુપર જાયન્ટ્સે શાનદાર શરૂૂઆત કરી હતી. ઓપનર મિચેલ માર્શ અને જોશ ઇંગ્લિસે મળીને પહેલી વિકેટ માટે 8.1 ઓવરમા જ 109 રન ફટકારી દીધા હતા.

50 છગ્ગા, સૌથી વધુ રન; વૈભવનો આઇપીએલમાં રેકોર્ડ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય યુવા સનસનાટીભર્યા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાના બેટથી નવો ઇતિહાસ રચી દીધો છે. તે ચાલુ સીઝનમાં 50 છગ્ગા પણ ફટકારી ચૂક્યો છે અને ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યો છે. વૈભવ હવે 13 મેચમાં 44.53 ની એવરેજથી 579 રન બનાવીને આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. સૌથી સર્વોચ્ચ સ્ટ્રાઈક રેટ (500+ રન): એક આઈપીએલ સીઝનમાં 500 થી વધુ રન બનાવવામાં વૈભવનો સ્ટ્રાઈક રેટ 236.32 નો રહ્યો છે, જે આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ છે. તેણે 2019માં આન્દ્રે રસેલના 204.8 ના સ્ટ્રાઈક રેટના રેકોર્ડને તોડી નાખ્યો છે. વૈભવ આ સીઝનમાં 53 છગ્ગા ફટકારી ચૂક્યો છે અને તે ક્રિસ ગેલ (59 સિક્સર, 2012) પછી બીજા સ્થાને પહોંચી ગયો છે. આઈપીએલની એક ઇનિંગમાં 10 કે તેથી વધુ સિક્સર ફટકારવાનું કારનામું વૈભવે ત્રીજી વખત કર્યું છે. આ મામલામાં હવે તેનાથી આગળ માત્ર ક્રિસ ગેલ (4 વખત) છે.