વડોદરા, સુરત, ભાવનગર, સુરેન્દ્રનગર , વાપી અને આણંદ મનપાને મળી નવી ટીમ

વડોદરામાં ગીતાબેન મકવાણા, ભાવનગરમાં ઉષાબેન તલરેજા, સુરેન્દ્રનગરમાં રાકેશભાઈ રાઠોડ, વાપીમાં દક્ષાબેન પટેલ, આણંદમાં દિપિકાબેન પટેલ અને સુરતમાં માયાબેન માવાણીની મેયર પદે વરણી કરાઈ ગુજરાત રાજ્યના…

વડોદરામાં ગીતાબેન મકવાણા, ભાવનગરમાં ઉષાબેન તલરેજા, સુરેન્દ્રનગરમાં રાકેશભાઈ રાઠોડ, વાપીમાં દક્ષાબેન પટેલ, આણંદમાં દિપિકાબેન પટેલ અને સુરતમાં માયાબેન માવાણીની મેયર પદે વરણી કરાઈ ગુજરાત રાજ્યના રાજકારણમાં આજે એક મોટો અને મહત્વનો દિવસ સાબિત થયો છે.

રાજ્યની ચાર અગત્યની મહાનગરપાલિકાઓ – રાજકોટ , વડોદરા, ભાવનગર, અને સુરેન્દ્રનગર, વાપી, આણંદ અને સુરતમાં ભાજપ શાસન દ્વારા આગામી ટર્મ માટે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય મહત્વના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી નિમણૂકોથી સ્થાનિક વહીવટી તંત્ર અને સંગઠનમાં મોટો ફેરફાર જોવા મળશે. પક્ષના હાઇકમાન્ડ દ્વારા જ્ઞાતિ સમીકરણો અને સિનિયોરિટીને ધ્યાનમાં રાખીને આ નામો નક્કી કરવામાં આવ્યા છે. તમામ શહેરોમાં નવા પદાધિકારીઓ ચાર્જ સંભાળતાની સાથે જ વિકાસકાર્યોને વધુ વેગ આપશે.

ભાવનગર મનપાના મેયર ઉષાબેન તલરેજા
સાંસ્કૃતિક અને ઐતિહાસિક શહેર ભાવનગર મહાનગરપાલિકાને પણ પોતાના નવા વડા મળી ગયા છે. ભાવનગરના તકતેશ્વર વોર્ડના લોકપ્રિય કાઉન્સિલર ઉષાબેન તલરેજાની શહેરના નવા મેયર તરીકે વરણી કરવામાં આવી છે. સામાન્ય પ્રજા સાથે સીધો સંવાદ ધરાવતા ઉષાબેનની પસંદગીને શહેરીજનોએ આવકારી છે. ભાવનગરના ડેપ્યુટી મેયર તરીકે અશોકભાઈ બારૈયાની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સંગઠન સ્તરે લાંબો અનુભવ ધરાવે છે. આ સાથે જ ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન તરીકે કિશન મહેતાની પસંદગી કરાઈ છે. આગામી સમયમાં ભાવનગરમાં ટ્રાફિક, ગટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા આ નવી પાંખ સક્રિય ભૂમિકા ભજવશે.

વાપીના મેયર દક્ષાબેન પટેલ
પ્રદેશ ભાજપ દ્વારા વાપી મહાનગર પાલિકાના હોદ્દેદારોને મેન્ડેટ આપવામાં આવ્યો જેમાં મેયર પદે દક્ષાબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે તો ડેપ્યુટી મેયર પદે મિતેશભાઇ દેસાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન પદે સતિષભાઈ પટેલ શાસક પક્ષ નેતા પદે ધર્મેશભાઈ પટેલ અને દંડક પ્રદેશ સુનિતાબેન તિવારીની નિયુક્તિ કરવામાં આવી છે.

 

આણંદના પ્રથમ નાગરિક દીપિકા પટેલ
પ્રદેશ ભાજપ દ્વારા આણંદ મહાનગર પાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં મેયર પદે દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર પદ પર કમલેશ ડાભી, સ્ટેન્ડિંગ ચેરમેન મયુર સુથાર, શાસક પક્ષના નેતા અમિત પુરોહિત અને હિરલબેન શાહને દંડકની જવાબદારી સોંપવામાં આવી.

વડોદરા મનપામાં મહિલા સશક્તિકરણ : ગીતાબેન મકવાણા નવા મેયર
સંસ્કારી નગરી વડોદરા મહાનગરપાલિકામાં પણ સત્તા પરિવર્તનનો નવો દોર શરૂૂ થયો છે. વડોદરાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણાના નામની સત્તાવાર જાહેરાત કરાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની નિમણૂક કરવામાં આવી છે, જેઓ યુવા અને ઉત્સાહી ચહેરો છે. વડોદરામાં વહીવટી નાણાકીય નિર્ણયો લેતી સ્થાયી સમિતિના નવા ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસની પસંદગી કરવામાં આવી છે. વડોદરાના ઈતિહાસમાં મહિલાઓનું વર્ચસ્વ આ વખતે મજબૂત દેખાઈ રહ્યું છે, કારણ કે શાસક પક્ષના નવા નેતા તરીકે પણ શ્વેતા માછીની વરણી થઈ છે. જ્યારે કોર્પોરેશનમાં પક્ષની શિસ્ત જાળવી રાખવા માટે વિજય ચૌહાણને પક્ષના નવા દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નવી બોડી વડોદરાને પૂર અને ટ્રાફિક મુક્ત બનાવવા કામ કરશે.

સુરેન્દ્રનગર મનપાના મેયર પદે રાકેશભાઈ રાઠોડ
તાજેતરમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો મેળવ્યા બાદ સુરેન્દ્રનગરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાસિલ કરી હતી. આ જીત બાદ આજે પ્રથમ વખત મેયર અને અન્ય હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના પ્રથમ નાગરિક એટલે કે મેયર તરીકે રાકેશભાઈ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમની સાથે ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલની પસંદગી કરાઈ છે. વહીવટી નિર્ણયો માટે મહત્વની એવી કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિખિલભાઈ ચાંપાનેરીની વરણી કરવામાં આવી છે. મનપામાં પક્ષના શાસક નેતા તરીકે પિન્ટુબેન આસાણીયા અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયાની વરણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના સર્વાંગી વિકાસ માટે આ નવી ટીમ ઐતિહાસિક નિર્ણયો લેશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ભાવનગરના મેયર તરીકે ઉષાબેન તલરેજા, ડે.મેયર તરીકે અશોક બારૈયાની વરણી
ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજા ની વરણી થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોકભાઈ બારૈયા ની નિમણૂક થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશનભાઇ મહેતા તથા શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળા અને દંડક તરીકે રીંકુબેન સુરેશભાઈ માંગુકિયા ની નિમણૂક થઈ છે. ભાવનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી માટે ખાસ સભા બોલાવવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરના ચાર્જમાં રહેલા કલેકટર ડો. મનીષ બંસલના ના અધ્યક્ષ સ્થાને સભા હોલ ખાતે બેઠક મળી હતી. જેમાં બહુમતીથી મેયર તરીકે ભાજપના ઉષાબેન તલરેજા ની વરણી કરવામાં આવી હતી. મેયર ઉપરાંત ઉપરાંત ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડક ની પણ વરણી થતા ભાજપના આગેવાનોએ અને કાર્યકરોએ નવા પદાધિકારીઓને હારતોળા કરી શુભેચ્છા પાઠવી હતી.