Site icon Gujarat Mirror

વડોદરાની શાળાના વિદ્યાર્થીઓની જાહેરમાં મારામારી, વીડિયો વાયરલ

વડોદરા શહેરમા વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારીની એક ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના સયાજીનગર ગૃહની સામે મુખ્ય રોડ પર બની હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક વિદ્યાર્થીઓ ઉગ્ર બોલાચાલી બાદ એકબીજા સાથે બાઝી પડ્યા હતા અને રસ્તા પર જ મારામારી કરવા લાગ્યા હતા. તપાસ બાદ એવું જાણવા મળ્યું છે કે મારામારીમાં સંડોવાયેલા આ વિદ્યાર્થીઓ જીઇબી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

વિદ્યાર્થીઓ વચ્ચેની આ મારામારી એટલી હદે વધી ગઈ કે આસપાસમાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ વચ્ચે પડવાની ફરજ પડી હતી. રાહદારીઓએ દરમિયાનગીરી કરીને આ વિદ્યાર્થીઓને અલગ પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક પગલાં લીધાં હતાં. પોલીસે મારામારીમાં સામેલ ત્રણેય વિદ્યાર્થીઓના વાહનો (ટુ-વ્હીલર) ડિટેઈન કર્યા હતા અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે ત્રણેય વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવ્યા હતા. વાલીઓએ પોલીસ સમક્ષ આવીને પોતાના બાળકોના આ વર્તન બદલ માફી માગી હતી અને ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને તેની ખાતરી આપી હતી. પોલીસે વાલીઓને કડક સૂચના આપીને અને કાયદાકીય સમજણ આપીને આ મામલો શાંત પાડ્યો હતો.

Exit mobile version