ઇરાનને મદદ: ભારતીય દંપતી, 9 કંપની પર USનો પ્રતિબંધ

મધ્યસત્ર ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ફરી એકવાર ભારત પર દબાણ વધારવાનું શરૂૂ કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે એક ભારતીય…

મધ્યસત્ર ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ફરી એકવાર ભારત પર દબાણ વધારવાનું શરૂૂ કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે એક ભારતીય ઉદ્યોગપતિ, તેમની પત્ની અને નવ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. તેમના પર ઈરાનના તેલ વેપાર પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને બાયપાસ કરવામાં (અસરહીન બનાવવામાં) મદદ કરવાનો આરોપ છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી (નાણા વિભાગ) અનુસાર, આ સમગ્ર નેટવર્ક દરિયાઈ છેતરપિંડી દ્વારા પ્રતિબંધિત ઈરાની તેલના વેપારને ચાલુ રાખવામાં મદદ કરી રહ્યું હતું. વિભાગે તેને એક મોટું ગુનાહિત નેટવર્ક ગણાવ્યું છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરીએ ભારતીય ઉદ્યોગપતિ સુનીલ કુમાર શર્મા અને તેમની પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદને આ નેટવર્કના કથિત સંચાલકો તરીકે ઓળખાવ્યા છે. આરોપ છે કે આ દંપતીએ બનાવટી દરિયાઈ નોંધણીઓ અને જહાજ-ધ્વજ પ્રમાણપત્રો તૈયાર કર્યા હતા, જેનાથી ઈરાની તેલ લઈ જતા જહાજો આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાં તેમનું કામ ચાલુ રાખી શક્યા.

યુએસ વહીવટીતંત્રે આ પગલું ’ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ’ના ભાગરૂૂપે લીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળની સરકારની આ એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય ઈરાનની તેલ વેચાણ અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાંથી થતી આવકને અટકાવવાનો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરીના જણાવ્યા અનુસાર, સુનીલ કુમાર શર્મા અને તેમની પત્ની ચંદીગઢથી આ નેટવર્ક ચલાવી રહ્યા હતા. આરોપ છે કે આ દંપતીએ બનાવટી દરિયાઈ નોંધણીઓ તૈયાર કરવા માટે વિવિધ દેશોના દરિયાઈ વહીવટી અધિકારીઓની ઓળખનો દુરુપયોગ કર્યો હતો.

અહેવાલ મુજબ, આ નેટવર્કે એવી વેબસાઈટો બનાવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ વિવિધ દેશો વતી સેવાઓ પૂરી પાડે છેજેમ કે જહાજની નોંધણી, દરિયાઈ ધ્વજ (ફ્લેગ) જારી કરવા, નાવિકોને તાલીમ આપવી અને જહાજોનું વર્ગીકરણ કરવું. જોકે, જે દેશોના નામે આ સેવાઓ અપાતી હતી, તેમણે ક્યારેય આવી સેવાઓ માટે અધિકૃત કર્યા ન હતા. આ કથિત છેતરપિંડી 2014માં શરૂૂ થઈ હોવાનું કહેવાય છે, જ્યારે આ દંપતીએ કેરેબિયન દેશ ડોમિનિકા માટે ’મેરીટાઇમ ફ્લેગ ઓથોરિટી’ (દરિયાઈ ધ્વજ સત્તામંડળ) તરીકે પોતાની રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ, 2023 માં, શર્માએ સિંગાપોરમાં ’એસ્વાટિની મેરીટાઇમ અફેર્સ એન્ડ ઇન્ટરનેશનલ શિપ રજિસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપનીની સ્થાપના કરી. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી અનુસાર, એસ્વાટિનીના અધિકારીઓએ જાહેરમાં આ સંગઠન સાથે કોઈપણ જોડાણનો ઇનકાર કર્યો હતો. આ હોવા છતાં, આ સંસ્થાએ ઈરાની તેલનું પરિવહન કરતા જહાજોને નોંધણી સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખ્યું હોવાના અહેવાલ છે.

વધુમાં, યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી દ્વારા બે ભારતીય નાગરિકો, અશ્વની કુમાર ધીમન અને ઇશ્વિંદર સિંહનું નામ આપવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને વ્યક્તિઓ શર્મા નેટવર્ક સાથે જોડાયેલી કંપનીઓમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા.

મંત્રાલયે જણાવ્યું હતું કે ’ઓસેનિક ટેક્નોલોજીસ ઇન્ડિયા’નો ઉપયોગ છેતરપિંડીવાળા જહાજ નોંધણી બનાવવા માટે કરવામાં આવ્યો હતો. દરમિયાન, સુનિલ શર્મા પર તપાસનું દબાણ વધતાં, તેમની પત્ની, શાહિદે, નેટવર્ક સાથે સંકળાયેલી ઘણી કંપનીઓનું સંચાલન સંભાળી લીધું.

આ ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સે ટર્કિશ કંપની ’ફુગો ગ્રાઉન્ડ સર્વિસીસ ઇન્ક.’ પર પણ પ્રતિબંધો લાદ્યા છે. આ કંપની પર ઈરાનના પ્રતિબંધિત ઉડ્ડયન ક્ષેત્રને સતત સહાય પૂરી પાડવાનો આરોપ છે. ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, અમેરિકાનું આ પગલું ઈરાનની તેલની આવક અને આર્થિક નેટવર્કને મર્યાદિત કરવાની વ્યાપક રણનીતિનો એક ભાગ છે. જે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેમાં ઓસેનિક ટેક્નોલોજીસ ઇન્ડિયા, આર્યાવર્ત શિપ મેનેજમેન્ટ, પ્રિસેપ્ટ ટ્રેન્ડ્સ, પોલિનેશિયા મેરીટાઇમ, એલેક્સરિયા ફિનસર્વ, એલેક્સરિયા મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ, વિહારબોટિંગ, આર્યાવર્ત મેરીટાઇમ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટનો સમાવેશ થાય છે.