ઉત્તરકાશીમાં 400 ફૂટ ઊંડી ખીણમાં કાર ખાબકી, સુરતના પરિવારના ત્રણના મોત, બે લાપતા

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગનાની નજીક ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ડબરાની તરફ જઈ રહેલી એક ’ઈનોવા’ કાર પરથી નિયંત્રણ ગુમાવતા તે સીધી નદીમાં…

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગનાની નજીક ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ડબરાની તરફ જઈ રહેલી એક ’ઈનોવા’ કાર પરથી નિયંત્રણ ગુમાવતા તે સીધી નદીમાં જઈ પડી હતી. અકસ્માત સમયે વાહનમાં સાત મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.

આ ઘટના સવારે લગભગ 6:37 વાગ્યે બની હોવાનું મનાય છે. વધુ ઝડપને કારણે કાર રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને 4000 ફુટ ઊંડી ખીણમાં થઈને સીધી નદીમાં જઈ પડી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.હાલ રાહત અને બચાવ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, ઈનોવા કારમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના હતા અને તેઓ ગંગોત્રી ધામ જઈ રહ્યા હતા.

મૃતકોની ઓળખ અશોકભાઈ પટેલ (49), તેમની પુત્રી રુતિકા પટેલ (19), ઘનશ્યામભાઈ સરવલિયા (32) અને હરિદ્વારના રહેવાસી ડ્રાઈવર સુરેન્દ્ર સિંહ તરીકે થઈ છે. આ ઉપરાંત, 17 વર્ષીય વેદાંત અશોકભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને નદીમાંથી બહાર કાઢી રસ્તા સુધી લાવવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ બે મહિલાઓ ગુમ છે. 45 વર્ષીય સુદાબેન અશોકભાઈ પટેલ અને 34 વર્ષીય કિરણબેન વિશાલભાઈ. આ બંને મહિલાઓ ગુજરાતની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, આ કાર ગુરુવારે સવારે ગંગોત્રી ધામ જવા માટે નીકળી હતી. મુસાફરો ગંગોત્રી ધામ તરફ જઈ રહ્યા હતા. ગંગનાની બજારથી આગળ ડબરાની તરફ જતી વખતે કાર પરથી કાબૂ ગુમાવાઈ ગયો હતો. ક્ષણભરમાં જ વાહન રસ્તા પરથી નીચે ઊંડી ખીણમાં ખાબક્યું અને નદીમાં જઈ પડ્યું. અકસ્માત બાદ ઘટનાસ્થળે અને નદીના કિનારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને 108 ઈમરજન્સી સેવાના દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ ટીમોએ ત્યાં પહોંચીને તાત્કાલિક શોધખોળ અભિયાન શરૂૂ કર્યું હતું. આ ઘટનાને પગલે ભારે અફરાતફરી અને ગભરાટ ફેલાઈ ગયો હતો. હાલ પોલીસ અને SDRFની ટીમો નદીના કિનારે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે. વાહનમાં સવાર તમામ લોકો વિશે માહિતી એકત્ર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.